શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 માર્ચ 2021 (09:48 IST)

સરકારે ખાનગી સ્કૂલોની સરખામણીએ માત્ર 20 જ સરકારી સ્કૂલોને મંજુરી આપી

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 446 ખાનગી સ્કૂલોને મંજુરી આપી, 17 સરકારી સ્કૂલોમાં 18 હજાર ઓરડાની ઘટ
રાજ્યમાં ખાનગી સ્કૂલોની મોંઘી ફીને લઈ વાલીઓ હેરાન થઈ રહ્યાં છે. ત્યાં છેલ્લા બે વર્ષમાં સરકારે 446 ખાનગી પ્રાથમિક સ્કૂલોને મંજુરી આપી છે. જેની સામે માત્ર 20 જ સરકારી સ્કૂલોને મંજુરી આપવામાં આવી છે. તેની સાથે એક પણ ગ્રાન્ટેડ સ્કૂલને મંજુરી આપવામાં આવી નથી. જેની કબૂલાત સરકારે વિધાનસભામાં કરી છે. ગુજરાત સરકાર સરકારી શિક્ષણને બદલે હવે ખાનગી સ્કૂલોમાં મોંઘુંદાટ શિક્ષણ બાળકોને મળે અને ગરીબ વાલીઓને લાખોની ફી ભરવી પડે તેવી નીતિ અપનાવી રહી હોવાનો કોંગ્રેસે વિધાનસભામાં દાવો કર્યો છે. 

છેલ્લા બે વર્ષમાં માત્ર બે જ ગ્રાન્ટેડ સ્કૂલોને મંજુરી
 
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 187 સરકારી અને 147 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે જ્યારે માત્ર બે જ ગ્રાન્ટેડ સ્કૂલોને મંજૂરી આપી છે. એકંદરે સ્કૂલોને ગ્રાન્ટેડ કરવામાં સરકાર કંજુસાઈ દાખવી રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, વાઈબ્રન્ટ ગુજરાતમાં આઝાદી પછીયે આજની તારીખે ૧૭ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં વીજળીની પાયાની સુવિધા જ નથી. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં કુલ સરકારી પ્રાથમિક સ્કૂલ 30842, ખાનગી 10925 અને ગ્રાન્ટેડ 570 છે. જ્યારે 1326 સરકારી, 5181 ગ્રાન્ટેડ અને 5138 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો છે.
 
ગુજરાતની 5353 સરકારી પ્રા. શાળામાં કંપાઉન્ડ વોલ નથી
 
ગુજરાત સરકાર ઘરે ઘરે વીજળી પહોંચાડવાના દાવા કરે છે પરંતુ ગુજરાતની 17 પ્રાથમિક સ્કૂલોમાં વીજળીની પાયાની સુવિધા જ નથી. મોરબીમાં ૫, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 7, ગીર સોમનાથમાં બે અને સુરેન્દ્રનગરનગરમાં બે સરકારી પ્રાથમિક સ્કૂલમાં વીજળીની સુવિધા નથી. આ ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાતની 5353 સરકારી અને 458 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં કંપાઉન્ડ વોલની સુવિધા નથી.
 
સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 18 હજાર ઓરડાની ઘટ  
ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 18 હજાર 537 ઓરડાઓની ઘટ છે, જોકે વર્ષ 2019-20માં માત્ર 994 ઓરડા બનાવવામાં આવ્યા છે. આ મદ્દે વિપક્ષે એવો ટોણો માર્યો છે કે, જો વિકાસ આવી જ ગતિથી આગળ વધશે તો હાલના ઓરડાઓની ઘટ પૂરતા 18 વર્ષ કરતાં વધુ વર્ષ થશે.