રવિવાર, 10 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 જાન્યુઆરી 2021 (11:33 IST)

નવા વર્ષે ફીનું માળખું કેવું રાખવું તે અંગે FRC દ્વારા કોઈ સ્પષ્ટતા ન કરાતાં ખાનગી સ્કૂલોના સંચાલકો મૂંઝવણમાં મૂકાયા

કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે ખાનગી સ્કૂલોની ફીમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે ફી નિર્ધારણ કમિટી સમક્ષ ખાનગી સ્કૂલોએ કરેલી દરખાસ્તના આધારે નવી ફી મંજૂર કરવામાં આવી નથી. પરંતુ હવે આગામી વર્ષ માટે ફી નિર્ધારણ કમિટી જૂની દરખાસ્તના આધારે ફી મંજૂર કરશે કે પછી સ્કૂલો પાસે ફરીથી નવી દરખાસ્ત મંગાવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. ફી નિર્ધારણ કમિટી દ્વારા આ મુદ્દે કોઈ સ્પષ્ટતા ન કરાતાં ખાનગી સ્કૂલોના સંચાલકો પણ મૂંઝવણમાં મૂકાયા છે. ફી નિર્ધારણ કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ત્રણ વર્ષ માટે ફી નક્કી કરવામાં આવે છે. વર્ષ-2017માં રાજ્યની ખાનગી સ્કૂલોની ફી નક્કી થઈ હતી. જેની ત્રણ વર્ષની મુદત પૂર્ણ થતાં ગત વર્ષે ફી નિર્ધારણ કાયદામાં નિયત કરેલ ફી કરતાં વધુ ફી ઉઘરાવવા માટે અમદાવાદ ઝોનની 600 થી વધુ સ્કૂલોએ દરખાસ્ત કરી હતી, જ્યારે નિયત ફી કરતાં ઓછી ફી વસુલનારી 4500થી વધુ ખાનગી સ્કૂલોએ એફિડેવિટ રજૂ કર્યાં હતા. જોકે આ સ્કૂલોના નવી ફીના ઓર્ડર થાય એ પહેલા જ કોરોના મહામારી આવી જતાં ફી મંજૂરી પર બ્રેક વાગી ગઈ હતી. એટલું જ નહીં ફી વધારો નહી કરવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ હવે આગામી વર્ષ માટે ખાનગી સ્કૂલોની ફી જૂની દરખાસ્તોના આધારે મંજૂર કરવામાં આવશે કે પછી નવી દરખાસ્તો મંગાવવામાં આવશે તે અંગે હજુ સુધી કમિટી દ્વારા કોઈ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. સુત્રોના જણાવ્યા મુજબ ફી નિર્ધારણ કાયદા મુજબ ખાનગી સ્કૂલોએ ફી મંજૂર કરાવવા માટે 31 મી ઓક્ટોબર સુધીમાં ફી નિર્ધારણ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલી દેવાની હોય છે. વર્ષ 2020-21ની ફી માટે સ્કૂલોએ દરખાસ્ત કરી હતી પરંતુ કોરોનાના કારણે ફી મંજૂર થઇ નથી. હવે જે ફી મંજૂર થશે તે વર્ષ-2021-22, વર્ષ-2022-23 અને વર્ષ-2023-24 માટે નક્કી થશે.