શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2019 (11:58 IST)

સુરતમાં 54 જેટલા વિદ્યાર્થીનું ભાવી બગડ્યું, નહી આપી શકે બોર્ડની પરીક્ષા

ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ ચુકી છે ત્યારે, સુરતની એક સ્કૂલના 54 જેટલા વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલ થયું છે, આ મુદ્દે સરકારે પણ હાથ અધ્ધર કરી દેતા વિદ્યાર્થીઓનું ભાવી બગડી રહ્યું છે. આ વિદ્યાર્થીઓએ આખુ વર્ષ અભ્યાસ કર્યો અને હવે બોર્ડની પરીક્ષાને ગણતરીના કલાક જ બાકી છે, ત્યારે આ સ્કૂલના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું ભણતર બગડવાની સ્થિતિ ઉભી થઈ છે. આ સ્કૂલના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હોલ ટિકિટ ન મળતા 54 જેટલા વિદ્યાર્થીઓ DEO ઓફિસે પહોંચ્યા હતા.  પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારની પ્રભાત સ્કૂલના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે હોલ ટિકિટ ન મળતા 54 જેટલા વિદ્યાર્થીઓ આજે ડીઈઓ કચેરીએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી પરંતુ વિદ્યાર્થીઓને નિરાશા હાથ લાગી છે. વિદ્યાર્થીઓને કહી દેવામાં આવ્યું છે કે, સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને કહી દેવામાં આવ્યું કે, બે વર્ષ પહેલા જ આ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા નહી આપી શકે તેવો હાઈકોર્ટે પણ ચુકાદો કરેલો છે. જેથી રાજ્ય સરકાર પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓ  પરીક્ષામાં બેસી નહી શકે.  સરકારે પણ હાઈકોર્ટના હુકમને આગળ ધરી હાથ અદ્ધર કરી દીધા છે. બે વર્ષ પહેલા જ આ સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી હતી, પરંતુ ગત વર્ષે સ્કૂલે બાળકોના ભાવી અંગેની વાત કરી હાઈકોર્ટમાં અરજી કરી હતી, અને હાઈકોર્ટના આદેશથી બાળકોનું ભાવી ન બગડે તે માટે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવી હતી, પરંતુ ફરી આ સ્કૂલે બાળકોને એડમિશન આપી તેમના ભાવી સાથે રમત રમી છે.  અને બાળકોના નામે હાઈકોર્ટમાં અરજી કરી પરંતુ આ વર્ષે હાઈકોર્ટે પણ આદેશ આપ્યો કે, માન્યતા રદ થઈ ગઈ હોવા છતા એડમિશન કેમ આપ્યું. એટલે કે વિદ્યાર્થીઓ અને સ્કૂલ બંનેને ખબર હતી કે, સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી છે, છતા સ્કૂલ દ્વારા એડમિશન આપી વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરવામાં આવ્યા.