વડોદરામાં અકોટા બ્રિજ સ્થિત હનુમાનજીને હીરા જડિત અઢી કિલોની ગદા અર્પણ કરાઈ
આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિની શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના હનુમાનજી મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓએ દર્શન માટે લાબી કતારો લગાવી હતી. અકોટા બ્રિજ ચાર સ્થિત હનુમાનજી મંદિરમાં અઢી કિલો વજનની હિરાજડીત ગદા અર્પણ કરવામાં આવી હતી.
શનિવાર હનુમાનજીનો પ્રિય વાર છે. તેથી શનિવારના રોજ હનુમાનજીની ભક્તિ ભાવનાનું અનેરું મહત્વ રહેલું છે. ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતી ઘણા વર્ષો બાદ શનિવારના રોજ આવી રહી છે. તેથી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હનુમાન જયંતીના પાવન પ્રસંગે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષરૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ નજીક બદામડી બાગ સામે આવેલા શ્રી શનિદેવ મંદિર ખાતે પણ હનુમાન જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ પાવન પ્રસંગે અઢી કિલોના વજનવાળી કિંમત રૂપિયા 65 હજારની કિંમતના અમેરિકન ડાયમંડ જડિત ગદા અહીં બિરાજમાન હનુમાનજીની પ્રતિમાને અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.બપોરે 12 વાગ્યે ભંડારો, 12.30 કલાકે આચાર્ય હિતેશ દવેના હસ્તે ગદા અર્પણ, સાંજે 7 કલાકે મહાઆરતી અને સાંજે 7.30 કલાકે કેતનભાઈ ઓઝાના કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ મંદિરના અશોક પવારે (પૂર્વ કોર્પોરેટર) જણાવ્યું હતું.