બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 16 એપ્રિલ 2022 (06:51 IST)

23 વર્ષીય યુવતીની કરપીણ હત્યા- પૂર્વ પત્નીએ પરત આવવાનો ઈન્કાર કરતા પૂર્વ પતિએ કરી હત્યા

કલોલ શહેરમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં બીજી હત્યાની ઘટના ઘટી છે. શુક્રવારે કલોલ સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે 23 વર્ષીય યુવતીને રસ્તામાં આંતરીને પૂર્વ પતિએ પેટમાં આડેધડ છરાના ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી છે. કલોલ પોલીસે પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
 
 પૂર્વ પત્નીએ પરત આવવાનો ઈન્કાર કરતા હત્યા નિપજાવી
કલોલની દેવીકૃપા સોસાયટીમાં રહેતી હેમા નંદવાણી અને ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનવાનું ચાલુ રહેતા હેમાએ દોઢ વર્ષ પહેલા છુટાછેડા લઈ લીધા હતા. જો કે, છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. તે અવારનવાર હેમાને ફોન કરી પરત આવી જવા માટે કહેતો અને ધમકાવતો રહેતો. હેમાની હત્યા પહેલાની ભાવેશ સાથેની એક કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેમાં ભાવેશ હેમાને પરત આવી જવાની ધમકી આપી રહ્યો છે. જો પરત નહીં આવે તો આખા પરિવારને ખતમ કરવાની ધમકી પણ આપી રહ્યો છે. શુક્રવારે સાંજે કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
 
ચાર મહિના પહેલા પણ કરી હતી કોશિશ 
ચારેક મહિના અગાઉ ભાવેશ હાથમાં છરો લઈને હેમાના ઘરની આસપાસ પણ ફરતો રહેતો હતો. જેનાં કારણે હેમાનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. જેનાં પગલે તેના પિતાએ ભાવેશનાં પરિચિતને તેની કરતૂતનો વીડિયો ઉતારીને બતાવ્યો હતો. એ વખતે પણ ભાવેશને સમજાવ્યો હતો. પરંતુ તે હેમાને કોઈપણ ભોગે પાછી મેળવવા માંગતો હતો.
 
આ અંગે કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે જણાવ્યું હતું કે, હેમા નામની યુવતીની હત્યા તેના પૂર્વ પતિએ કરી છે. હાલમાં મૃતકના પરિવારજનોની પૂછપરછ કરીને હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરાઈ છે.