અમદાવાદમાં મૈત્રી કરારમાં રહેતી યુવતીને યુવકે ઢોરમાર મારી કાઢી મૂકી, યુવક સામે પોલીસમાં ફરિયાદ કરી
અમરાઇવાડીની 21 વર્ષીય યુવતીને મૈત્રી કરાર ભારે પડ્યો છે. મૈત્રી કરાર કરી 19 વર્ષીય મિત્રએ યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી માર મારીને ઘરમાંથી કાઢી મૂકી છે. આથી યુવતીએ મિત્ર વિરુધ્ધ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અમરાઇવાડીમાં રહેતી 21 વર્ષીય યુવતિ બીજા વર્ષ કોલેજમાં અભ્યાસ કરે છે અને તેને 19 વર્ષીય હર્ષ સોલંકી સાથે મિત્રતા થઇ હતી. હર્ષ 19 વર્ષનો હોવાથી બન્ને જણાએ મૈત્રીકરાર કરીને સાથે રહેતા હતાં. મૈત્રીકરારના 9 દિવસ બાદ હર્ષે દારૂ પીને યુવતી સાથે બોલાચાલી કરી મારઝુડ કરતો અને તું તારા બાપના ઘરે જઇશ તો તારા મા-બાપ અને ભાઇને મારી નાંખવાની ધમકી આપતો હતો.2 એપ્રિલે રાત્રે 11 વાગે હર્ષ યુવિતને બિભત્સ ગાળો બોલી માર મારતા યુવકના દાદા-દાદીએ વચ્ચે પડી યુવતીને છોડાવી હતી. દાદા-દાદીએ યુવતીને મૈત્રી કરાર રદ કરાવી તેના મા-બાપના ઘરે જતા રહેવાનું કહ્યું હતું. આથી યુવતીએ હર્ષે ઉતારેલો અશ્લીલ વિડીયો ફરતો કરવાની ધમકી અંગે દાદા-દાદીને વાત કરી હતી. આખરે યુવતિ રાત્રે ઘરમાંથી નિકળી જઇને પોતાના માતા-પિતાને ફોન કર્યો અને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.