શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (14:10 IST)

હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને હેરાન કરવાનુ બંધ કરો, રેશ્મા પટેલની સરકારને ચીમકી,

હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસથી ક્યાં છે તેની કોઈને ખબર નથી. હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ થયું છે. હાર્દિક પટેલની ધરપકડ કરવા માટે પોલીસ પણ તેને શોધી રહી છે. પોલીસને પણ હાર્દિક પટેલનું લોકેશન મળતું નથી. જેથી હાર્દિક પટેલના ઘરે પણ પોલીસે તપાસ કરી હતી. આ મામલે હાર્દિકની પત્નીએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, હાર્દિક ઘરે નથી છતાં પોલીસ વારંવાર આવીને ઘરની તલાશી લે છે. હવે હાર્દિક પટેલના વ્હારે આંદોલનકારી અને એનસીપીના નેતા રેશ્મા પટેલ આવ્યાં છે. 
રેશ્મા પટેલે જણાવ્યું છે કે, "2015માં કરવામાં આવેલા પાટીદાર અનામત આંદોલનનાં કેસમાં આંદોલનકારીને કાયદાકીય લડતમાં ફસાવી રાજકીય ષડયંત્રો રચવાનું કામ સરકાર બંધ કરે. હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ છે અને કોઇને પણ કશું જ ખબર નથી. અનેક આંદોલનકારીઓને કોર્ટની તારીખો ભરવી પડે છે. આ બધું બીજેપી સરકાર દ્વારા આદરેલા રાજકીય કાવાદાવા છે. સરકારને એમ હોય કે અમારી એકતા તોડવામાં સફળ થયા, પછી આંદોલનકારીઓને હેરાન કરીશું. તમે એમ માનો છો કે અમે ચૂપ બેસી જઈશું?" રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, "કાન ખોલીને સાંભળી લો, તમારા આવા તાયફાઓ અને રાજકીય ષડયંત્રો સામે ગુજરાતના દરેક આંદોલનકારી લડવા સક્ષમ છે. 
સમાજ, રાષ્ટ્રના પક્ષમાં એક થઈ સરકારને પડકાર ફેંકી ધ્રુજાવતા આજે પણ આવડે છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓને હેરાન કરવાનું બંધ કરો. બાકી માઠા પરીણામો ભોગવવા પડશે." 2015માં અનામત આંદોલનનું રણશીંગુ ફૂંકાયું હતું, ત્યાર બાદ હાર્દિક સાથે એક પછી એક પાટીદારો જોડાવવા લાગ્યા હતા. જેમાં રેશ્મા પટેલે હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. જોકે, ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી દરમિયાન રેશ્મા પટેલ અને વરૂણ પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ રેશ્મા પટેલ અને હાર્દિક પટેલ સામસામે આવી ગયા હતા. સમય જતાં રેશ્મા પટેલ પણ ભાજપથી નારાજ હતા અને ભાજપ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. બાદમાં એનસીપીમાં રેશ્મા પટેલ જોડાયા હતા. હાલ રેશ્મા પટેલ એનસીપીમાં છે અને હાર્દિક પટેલ કૉંગ્રેસ પાર્ટીમાં છે.