બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (16:38 IST)

હાર્દિકભાઈ પટેલ હાજર થાઓઃ પાટીદાર દમન મામલે પૂંજ કમિશનની નોટિસ

અમદાવાદના જી.એમ.ડી.સી મેદાન પર 25 ઑગસ્ટ 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન અંતર્ગત વિશાળ જનસભા યોજાઈ હતી. આ સભા બાદ પાટીદારો પર થયેલા કથિત દમન મામલે સરકારે પૂંજ કમિશનની રચના કરી હતી. જી.એમ.ડી.સી. મામલે તપાસ કરી રહેલા જસ્ટિસ પૂંજ કમિશને આ મામલે જવાબ રજૂ કરવા માટે તત્કાલિન પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને અચૂક હાજર રહેવા નોટિસ આપી છે. આ મામલે પૂંજ કમિશને હાર્દિક પટેલને 16મી સપ્ટેમ્બરે અચૂક હાજર રહેવા નોટિસ આપી છે. તપાસ પંચ દ્વારા હાર્દિક ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા ચિરાગ પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ સહિતના આગેવાનોને પણ નોટિસ મોકલી છે. કમિશને ચિરાગ પટેલને 21મી સપ્ટેમ્બરે હાજર રહેવા માટે નોટિસ આપી છે.પાટીદાર અનામત આંદોલનની GMDC મેદાનમાં મળેલી મહાસભા બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. દરમિયાન અમદાવાદના GMDC મેદાન સહિત અનેક સ્થળે પોલીસે પાટીદારો પર કથિત દમન કર્યાની રાવ ઉઠી હતી. આ મામલે ગુજરાત સરકારે વર્ષ 2017ના ઑક્ટોબર મહિનામાં હાઇકોર્ટના નિવૃત જજ કે.એ. પૂંજની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરી હતી. આ તપાસ વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને પૂંજ કમિશન આગામી 30મી સપ્ટેમ્બર પછી રાજ્ય સરકારને આ મામલે પોતાનો અહેવાલ સુપરત કરશે.