હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ, તમામ પક્ષના નેતા અને આગેવાનોને આમંત્રણ
ગુજરાતમાં આવનારી વિધાનસભા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હાર્દિકના નિવાસસ્થાન વિરમગામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેમાં પક્ષપાત વિના તમામ પક્ષના નેતા અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો આવી રહ્યા છે. કાર્યક્રમમાં વિરમગામ નગર પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ રિના પડ્યા, શહેર ભાજપ મંત્રી પ્રમોદ પટેલ, અમદાવાદ જિલ્લા પચાયતના સદસ્ય હરિ પરમાર, પૂર્વ ધારાસભ્ય હર્ષદ ઠક્કર, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી, વિરમગામ તાલુકા સદસ્ય નલિન કોટડીયા તેમજ અલગ અલગ સમુદાયના સાધુ-સંતો પણ આવ્યાં છે. ત્યારે બપોર સુધીમાં હજુ અનેક ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આવવાની શક્યતા છે.
ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી હાજરી આપે એવી ચર્ચા
આ ધાર્મિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ પણ હાજરી આપવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવાય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે અને ભાજપમાં જોડાય એવી વાતો ચાલી રહી છે, એ સમયે જ આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓની હાજરીની ભારે હલચલ ચાલી રહી છે.
ધાર્મિક કાર્યક્રમમાં અમૃતવાણી, ભજન તથા સુંદરકાંડ પાઠ અને જમવાની વ્યવસ્થા
વિરમગામ ખાતેની ઝાલાવાળી સોસાયટીમાં જ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યાં વિશાળ એસી ડોમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અત્યારે ભજન ચાલી રહ્યા છે, બાદમાં રામધૂન, ગુરુજન અમૃતવાણી, ભજન તથા સુંદરકાંડ પાઠ પણ રાખવામાં આવ્યો છે. સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે.પાર્કિંગથી લઈને જમવા સુધીની તમામ સુવિધાઓ સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેથી આવનારા મહેમાનોને કોઈ તકલીફ ન પડે.