બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 એપ્રિલ 2018 (13:27 IST)

ગરમીનો કેર : અમદાવાદ સહિત ૬ શહેરમાં પારો ૪૧ ડિગ્રીને પાર

એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગરમી તેનું રૌદ્ર રૃપ બતાવે તેવી આગાહી વચ્ચે સરેરાશ મહત્તમ તાપમાનનો પારો સતત ઊંચે જઇ રહ્યો છે. આજે અમદાવાદ સહિત ૬ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે રહ્યું છે. આજે સુરેન્દ્રનગર સૌથી વધુ ૪૨.૩ ડિગ્રીમાં શેકાયું હતું જ્યારે રાજકોટમાં ૪૨ ડિગ્રી ગરમીનો પારો રહ્યો હતો. સુરેન્દ્રનગર, રાજકોટ ઉપરાંત અમદાવાદ, ઈડર, અમરેલી, ભૂજમાં ૪૧ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ હતી.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમનો પવન ફૂંકાઇ રહ્યો છે અને આગામી બે દિવસ ગરમીમાં ખૂબ જ વધારો થાય તેની સંભાવના ઓછી છે. ' અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી ગરમીનો પારો રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે. છેલ્લા ચાર વર્ષના આંકડા જોવામાં આવે તો અમદાવાદમાં સામાન્ય રીતે એપ્રિલમાં કમસેકમ ૧ વાર ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થયો જ છે.