શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 એપ્રિલ 2019 (12:20 IST)

ગરમીને કારણે એપ્રિલ માસમાં ગુજરાતમાં 3 હજારથી વધુ લોકો મુર્છિત થયાં

ગુજરાતમાં ૪૪ ડિગ્રીએ પહોંચેલી ગરમીને કારણે અનેક લોકોને શારીરિક પરેશાની ભોગવવી પડી રહી છે. ખાસ કરીને બીમાર, વૃદ્ધ, અશક્તો, દિવ્યાંગોની હાલત કફોડી બની જવા પામી છે. હાલ રોજના સરેરાશ ૮૦૦ થી ૮૫૦ લોકો કાળઝાળ ગરમીની ઝપટે ચઢી રહ્યા છે.

 જેમાં સૌથી વધુ પેટના દુખાવા અને ડિહાઇડ્રેશનના કેસો સામે આવી રહ્યા છે. ઇમરજન્સી સેવા ૧૦૮માં નોંધાયાલે આંકડાઓ મુજબ રાજ્યામાં ચાલુ માસે ૨૫ એપ્રિલ સુધી ૧૮,૦૩૫ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાંના જ ૪,૧૯૫ કેસો છે. જેમાં લોકોએ ગરમીના કારણે તાત્કાલિક સારવાર લવાની ફરજ પડી હતી.
ગરમીનો પારો દિનપ્રતિદિન ઉંચકાઇ રહ્યો છે. રાજ્યમાં ચાર શહેરોમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને વટાવી ગયો હતો. જેમાં રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં ૪૪.૪ ડિગ્રી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે ગરમી ૪૩.૩ ડિગ્રી અનુભવાઇ હતી.

આ અંગે ઇમરજન્સી સેવા ૧૦૮ના અધિકારીઓના જણાવ્યા મુજબ ગરમીનો પારો વધતાની સાથે રાજ્યમાં સરેરાશ ૫૦ કેસો વધી રહ્યા છે. જ્યારે અમદાવાદમાં ૨૦ કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ પેટના દુખાવાની ફરિયાદો સવિશેષ જોવા મળી રહી છે. 

અમદાવાદમાં સામાન્ય દિવસોની તુલનામાં તેમાં ૬૦ ટકાથી પણ વધુનો વધારો જણાઇ આવ્યો છે. જ્યારે ડિહાઇડ્રેસન કેસોમાં ૮૬ ટકા સુધીનો અધધ..વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે રાજ્યની વાત કરીએ તો તેમાં અનુક્રમે ૩૬ અને ૭૩ ટકાનો વધારો જોવાયો છે.
ગરમીના આ દિવસોમાં કામ સિવાય બહાર ન નીકળવું, સુતરાઉ અને આખી બોયના કપડા પહેરવા, વધુમાં વધુ પાણી પીવું, મજૂર વર્ગે દર કલાકે છાયડામાં પંદરેક મીનિટ આરામ કરવો, ટુ વ્હિલર વાહન હંકારતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવું, બહારના નાસ્તા ન કરવા, ઘરની બહાર ટોપી પહેરીને નીકળવું સહિતની સાવચેતીઓ રાખવાની સલાહ અપાઇ છે.