બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (18:30 IST)

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, એલર્ટને ધ્યાનમાં રાખતા NDRFની ટીમ પણ તૈયાર

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને પગલે આગામી બે દિવસ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે  રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસું ફરી જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દીવમાં અતિભારે વરસાદ પડશે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. 
 
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે ત્રીજા દિવસ બાદ વરસાદમાં ઘટાડો થવાની સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની વકી છે.
 
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- પ્રેશર સર્જાયું છે. જેના કારણે 40થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. બંદર પર ત્રણ નંબરના સિગ્નલ સાથે પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
NDRFની છટ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત છે અને તમામ પ્રકારની કુદરતી આફતો, અકસ્માતો અને દુર્ઘટનાઓમાં જાનમાલના બચાવની અદ્યતન તાલીમ અને સાધનોથી સુસજ્જ છે.  ચોમાસાને અનુલક્ષીને રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે ચર્ચા કર્યાં પછી દળ દ્વારા ગુજરાતના 8 જિલ્લાઓમાં અને રાજસ્થાનના બે જિલ્લાઓમાં કુલ 10 ટીમો આગોતરી તૈનાત કરવામાં આવી છે. આ પ્રત્યેક ટીમમાં 25 તાલીમબદ્ધ અને બચાવ રાહતમાં કુશળ જવાનો રાખવામાં આવ્યાં છે જે વાવાઝોડું અને પૂર જેવી આફતોમાં લોકોને ઉગારવા અને ખસેડવા, સલામત સ્થળે આશ્રય આપવાની કુશળતા ધરાવે છે.
 
8 ટીમો રાજ્યના સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં આગોતરી મૂકી દેવામાં આવી છે. આફતો સમયે આ ટીમો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચનાઓ પ્રમાણે મુશ્કેલીવાળા વિસ્તારોમાં કામ કરશે. આ આગોતરી સાવચેતી હેઠળ કરવામાં આવેલું આયોજન છે.