બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : સોમવાર, 19 જુલાઈ 2021 (16:15 IST)

ગુજરાતનુ ગૌરવ - ગુજરાતના ૬૦ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના ખેલાડીઓ ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ છ રમતવિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલમ્પિકમાં કૌવત ઝળકાવી અવ્વલ સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.
ગુજરાતની છ દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ગૌરવવંતી દિકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદિર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ છે.
રાજ્યમાં સ્પોર્ટ્સનું વૈશ્વિક કક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમમાં આ સિદ્ધિ નવું બળ પુરુ પાડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક -૨૦૨૦ રમતો આ વર્ષે તા.ર૩મી જુલાઇ ૨૦૨૧થી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.