સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ઑક્ટોબર 2020 (10:13 IST)

ગુજરાતમાં 22 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચથી વધુ વરસાદ, વીજળી પડતાં 2ના મોત

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઇ ગયું હતું. રાજકોટમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તા પર પાણી ભરાયા હતા.
 
વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ભરાયા હતા. રાજકોટમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં શહેરના મધ્ય ઝોનમાં 45MM, પૂર્વ ઝોનમાં 55MM અને પશ્ચિમ ઝોનમાં 50MM વરસાદ નોંધાયો છે. સવારથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઇને લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો. જ્યારે ઉપલેટા તાલુકાના મેરવદર ગામે વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને તેમને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
 
ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બાંદ્રા, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં 3.5થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલ શહેરમાં અંદાજે 1.5 ઇંચ પણ વધુ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાનીની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોના કપાસ, મગફળી, મરચી સહિતના ખેત પેદાશોને નુકશાનની ભીતિ વર્તાઈ રહી છે અને જગતનો તાત ક્યાંક ને ક્યાંક ચિંતામાં મૂકાયો છે તેવું લાગી રહ્યું છે. બાબરાના ધરાઈ ગામે બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદીમાં પૂર આવ્યું છે. 
 
રવિવારે વહેલા પરોઢિયે અને બપોર બાદ ફરીવાર મેઘરાજાએ દસ્તક દીધી હતી અને તેજ પવન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. અચાનક થયેલા વરસાદને પગલે મોરબી શહેરમાં તમામ રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મોરબીમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 29 મીમી અને ટંકારામાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. જો કે, અન્ય તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો.
 
સૌરાષ્ટ્રની સાથોસાથ કચ્છમાં પણ આજે ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છના લખપત, પાનધ્રો, માતાના મઢ, દયાપર, મિઢિયારી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અબડાસાના તેરા, બીટા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. નખત્રાણાના નેત્રા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે.