શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 મે 2017 (17:46 IST)

Rain in Gujarat - સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, કરા પડ્યાં

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. બપોર પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું. તેમજ જોતજોતામાં જ વીજળીના કડાકા સાથે રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. બાદમાં વાતાવરણ રૌદ્ર રૂપ ધારણ કરીને તોફાની પવન ફુંકાયા હતા. જેમાં હોર્ડિંગ ઉડી ગયા અને વૃક્ષો ધારાશાયી થયા હતા. તોફાની વરસાદમાં  કરાં પડ્યા હતા.  

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, કિશાનપરા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી હતી.વરસાદ વરસતા લોકો રસ્તા પર નીકળી પડ્યાં હતા અને ચીચયારી સાથે વરસાદમાં પલળવાની મોજ માણી હતી. રાજકોટ સિવાય રાજુલામાં વરસાદ વરસ્યાના સમાચાર મળી રહ્યાં છે, તો ગોંડલ- વીરપુરમાં અમીછાંટણાં થયા છે અને વાદળો ધેરાયલા જોવા મળી રહ્યાં છે.આવતા મહિનાથી ચોમાસાની શરૂઆત થઇ જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.