1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (12:46 IST)

ગુજરાતમાં તમામ પ્રકારની ધાર્મિક વિધી બંધઃ બ્રાહ્મણોની હાલત વધુ કફોડી બની

કોરોના મહામારીએ લોકોના જીવનમાં મોટો બદલાવ લાવી દીધો છે અને હવે મૃત્યુ પછીની ક્રિયામાં પણ કોરોના મહામારીને કારણે મોટો ફેરફાર આવી ગયો છે. બેસણા-ઉઠમણા, લૌકિકકાર્ય, પિતૃકાર્ય સહિતની ધાર્મિક વિધિઓ મોટાભાગના પરિવારો કોરોના સંક્રમણના ભયે કરવાનું ટાળી રહ્યા છે. તેમજ બહેન-દીકરીઓને તેડાવ્યા વગર ઘરમેળે વિધિ પતાવી લેવાના કિસ્સાઓ પણ વધ્યા છે. તેમજ બ્રહ્મ ભોજનની પ્રથા તો જાણે નાબૂદ થઇ ગઇ હોય તેમ મોટાભાગના પરિવારો બ્રાહ્મણોને ‘સીધો’ આપી દઇ વિધિ કર્યાનો સંતોષ માની રહ્યા છે. મોટાભાગના લોકોએ  પરિવાર ભેગો થઇને પાણી રેડતો હતો તે પણ બંધ કરી દીધું છે. શૈયાદાન અને પંખી દાન બંધ છે. ચૈત્રમાં પિતૃકાર્ય અને વૈશાખમાં લગ્નની સિઝનને કારણે ભૂદેવો આખા વર્ષનું કમાઇ લેતા હતા તેના બદલે આ વર્ષે નહીંવત કમાણી થતા ભૂદેવોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. લોકો હવે નરસા પ્રસંગો ઉપરાંત સારા પ્રસંગો પણ ઘરમેળે કરવા લાગ્યા છે. અગાઉ સીમંત જેવા પ્રસંગો ધામધૂમથી ઉજવવાનું આયોજન કરનારા અને 700 થી 800 લોકોને આમંત્રિત કરવાનું આયોજન કરનારા લોકો હવે સીમંત જેવા પ્રસંગો ઘરમેળે કરી લેવા લાગ્યા છે.