હિંમતનગરની હિરલ શાહે 38 સ્પર્ધકોને પછાડી ‘મિસિસ ઇન્ડિયા ગ્લેમર’નો ખિતાબ જીત્યો
હિંમતનગરની હિરલ શાહે વીપીઆર મિસિસ ઇન્ડિયા ગ્લેમરનો ખિતાબ અંકે કરીને કોલેજ કાળના સ્વપ્નને સાકાર કરી સાબિત કરી દીધું કે નાનકડા શહેરની વ્યક્તિ પણ ઝાકઝમાળવાળી મોડલીંગ ઇન્ડસ્ટ્રીઝને પોતાનુ કૌવત બતાવી શકે છે અને સફળતા કોઇની મોહતા જ નથી.કોલેજ કાળથી જ ફેશન, મોડલીંગ, ડાન્સીંગ વગેરેમાં ભાગ લેતી હતી અને મોડલીંગનો શોખ હતો પરંતુ અનુકૂળ વાતાવરણ મળ્યું ન હતું. ત્યારબાદ લગ્ન થઇ ગયા અને બાળકના જન્મ થયા બાદ વજન વધી જતાં ફિટનેસ પર ધ્યાન કેન્દ્રીત કરી વોકીંગ, યોગા, કસરત શરૂ કર્યું.જંકફૂડનો ત્યાગ કર્યો
આઠેક માસ અગાઉ કોરોના પેન્ડેમીકમાં નેટ સર્ફીંગ કરવા દરમિયાન વી.પી.આર મિસિસ ઇન્ડિયાની એડ જોઇ તેના પ્રમોટરનો બાયોડેટા ચકાસી રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાં ખ્યાતનામ ફોટોગ્રાફર વિજય કબરા, 2015માં મીસ ઇન્ડિયા રહી ચુકેલ પ્રિયંકા ખૂરાના વગેરે હતા. જેમણે ફિટનેસથી માંડી ડાયેટ, રેમ્પર્વાક, ક્લોથીંગ, મેકઅપ વગેરેની ઓનલાઇન ટ્રેનીંગ આપી. આ પૂર્ણ થયા પછી 100 જેટલા સ્પર્ધકોનંુ ઓડીશન થયુ જેમાંથી 40 સ્પર્ધકો સિલેક્ટ થયા હતા. 40 સ્પર્ધકો પૈકી એક સ્પર્ધક બિમાર થતાં 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલ કોન્ટેસ્ટમાં હાજર રહ્યા ન હતા. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં યોજાયેલ કોન્ટેસ્ટમાં પેન્સિલ હિલ સાથે રેમ્પવોક, ફિટનેસ રાઉન્ડ, યોગા પોઝમાં એક પગ પર ઉભા રહેવાનુ, ટેલેન્ટ રાઉન્ડ, ડાન્સીંગ વગેરે પાર કરી પાંચ સ્પર્ધકો ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા હતા તેમણે ઉમેર્યું કે મારો અકસ્માત થયેલ હતો અને લીગામેન્ટને ઇજા થતાં રેમ્પવોક કરવામાં અસહ્ય પીડા થતી હતી. 28 ફેબ્રુઆરીએ ટ્રેડીશનલ ડિઝાઇનર, ઇવનીંગ ગાઉનનો રાઉન્ડ અને ફરીથી રેમ્પવોક બાદ હિરલ બેનને વિજેતા જાહેર કરાયા હતા. હિરલ બેને તેમની સફળતા અને પ્રોત્સાહન માટે પતિ તથા પરિવારને શ્રેય આપ્યો હતો.