1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (11:17 IST)

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસથી લોકોમાં રોષ ભભૂક્યો, ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા પોસ્ટર લાગ્યા

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યા સહિતના વધતા હત્યાના બનાવોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરૂદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં લખાયું છે કે, ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સીલ સીલો યથાવત, ગૃહરાજ્યમંત્રી રાજીનામું આપે.

સુરતના કામરેજ, પુણા, યોગીચોક, સરથાણા, મીની બજાર, માનગઢ ચોક જેવા વિસ્તારમાં પોસ્ટરો રાત્રિના સમયે લગાવવામાં આવ્યાં હતાં.આ પોસ્ટરો કોણે લગાવ્યા તે સામે આવ્યું નથી. જો કે, વિતેલા 14 દિવસમાં થયેલી લાગ લગાટ હત્યાઓને લઈને શહેર સ્તબ્ધ બની ગયું છે. ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહેલા સુરતમાં લોકોનો ગુસ્સો હવે ગૃહ મંત્રી તરફ જોવા મળી રહ્યો છે.પોસ્ટરમાં સુરત શહેર હવે ક્રાઈમ સિટી હોય એવું લાગી રહ્યાનું લખાયું છે. ક્રાઈમ સિટી બનેલા સુરત શહેર માં 14 દિવસમાં મર્ડરની નવમી ઘટના સામે આવી છે.

ધોળે દિવસે ચપ્પુની અણીએ તેમજ બંદૂકની અણીએ લૂંટની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે ભાઉના રાજમાં પોતાના શહેરમાં કાયદો વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ હોવાનું લખીને ગૃહમંત્રી રાજીનામુ આપે તેવી પોસ્ટરો દ્વારા માગ ઉઠી છે.