મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 મે 2021 (10:12 IST)

હોસ્ટેલ બંધ થતાં ભોજન બનાવવાની રોજગારી અટકી: કોવિડ કેર સેન્ટર શરૂ થતાં ફરી શરૂ થઇ રોજગારી

વૈશ્વિક કોરોના મહામારીની સમગ્ર દેશમાં ગંભીર અસર થઈ છે.ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર સંખ્યામાં વધારો થયો છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં ધંધા રોજગારને પણ વ્યાપક અસર થઈ છે.કોરોનાની આ વિકટ સ્થિતિમાં ગામડાઓમાં રોજ રળીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને વધુ મુશ્કેલી સહન કરવી પડી રહી છે. વિપદની આ ઘડીમાં વડોદરા જિલ્લાના એક ગામનું કોવીડ કેર સેન્ટર ગામની મહિલાઓને રોજગારી આપવાનું કેન્દ્ર બન્યું છે.
હવે, તમે કહેશો કે આવું તો વળી  કંઈ હોય !
પ્રથમ દૃષ્ટિએ તો આ વાત માન્યામાં આવે એવી નથી.પરંતુ આ વાત સાચી છે. વાત એમ છે કે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા મોટા ફોફળિયા ગામમાં સરકાર અને શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના પીઠબળથી સંસ્થાની હોસ્ટેલમાં કાર્યરત ૧૦૦ પથારીના કોવીડ કેર સેન્ટરમાં શક્તિ,સવિતા અને શારદા સખી મંડળની ૫૪ મહિલાઓ કોરોના કાળમાં રોજના રૂ.૪૦૦ થી ૫૦૦ ની રોજ કમાણી કરી રહી છે.
શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક અશોકભાઈ પટેલે જણાવ્યું કે કોરોનાની સ્થિતિમાં સંસ્થાની શાળાની હોસ્ટેલ બંધ છે. સખી મંડળની આ મહિલાઓ હોસ્ટેલમાં કામ કરતી હતી. હોસ્ટેલ બંધ થતાં તેમની રોજગારી પણ છીનવાઈ ગઈ.
 
ટ્રસ્ટના  અમેરિકા સ્થિત દાતા શ્રી કિરણભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી જીતુભાઈ પટેલે આ મહિલાઓની ચિંતા કરી ગામ તથા આસપાસના ગામોના લોકોને કોરોનાની સારવાર મળી રહે તે માટે ગામમાં કાર્યરત ૧૦૦ બેડના કોવિડ કેર સેન્ટરમાં મહિલાઓને રોજગારી આપવાનો પ્રેરક અને પ્રોત્સાહક વિચાર મૂક્યો અને ટ્રસ્ટે તેનો અમલ કર્યો છે.કેર સેન્ટરમાં આસપાસના ગામોના કોવીડના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
મિશન મંગલમ યોજના હેઠળ ગામની સખી મંડળની મહિલાઓની રોજગારીની ચિંતા કરી તેમને રોજગારી પુરી પાડવા કોવીડ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ આ મહિલાઓને કામગીરી સોંપવામાં આવી છે.આ મહિલાઓ રોજબરોજની કમાણીમાંથી જે બચત કરે તેની સામે સંસ્થા દ્વારા તેટલા જ નાણાં બેંકમાં જમા કરવામાં આવે છે.
 
તેઓ જણાવે છે કે આ બચતના નાણાંમાંથી સખી મંડળની બહેનોને જ્યારે જરૂર પડે ત્યારે આ રકમ આપવામાં આવે છે. અશોકભાઈએ ઉમેર્યું કે આ ગ્રામીણ મહિલાઓ દર્દીઓ માટે હાઇજીનની કાળજી રાખી ભોજન બનાવવાની કામગીરી સાથે તેમને નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને પેકિંગ કરેલું ભોજન પહોચાડે છે.
 
કોરોનાના ચેપથી આ મહિલાઓ સંક્રમિત ન બને તે માટે ડિસ્પોઝેબલ પેકિંગમાં ભોજન દર્દીની રૂમની બહાર ટેબલ સુધી પહોચાડવામાં આવે છે.આ માટે મહિલાઓને સંસ્થા દ્વારા પેકિંગની તાલીમ પણ આપવામાં આવી છે.મહિલાઓને સુરક્ષા માટે  પી.પી. ઇ કીટ પહેરીને તેઓ તેમણે આપવામાં આવેલી કામગીરી કરી રહી છે જેથી તેઓ સુરક્ષિત રહી શકે.
 
સખી મંડળના રશ્મિબેન પટેલ કહે છે કે અમારા ગામમાં ત્રણ સખી મંડળમાં ૫૪ બહેનો જોડાયેલી છે.કોરોનાના કારણે સંસ્થાની શાળા બંધ થતા અમારી રોજગારી અટકી હતી.પરંતુ સંસ્થા દ્વારા હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર શરૂ થતા અમારી રોજગારી ફરીથી શરૂ થઈ છે.સખી મંડળની બહેનો રસોડા, કોવીડ કેર સેન્ટર ઉપરાંત બાગ બગીચામાં કામગીરી કરી રહી છે. અમને રોજના રૂ.૪૦૦ થી ૫૦૦ જેટલી રકમ મળી રહે છે.જેથી કોરોનાના કપરા કાળમાં પણ અમારા પરિવારનું ગુજરાન એકદમ સારી રીતે ચાલે છે. કોરોનાની કપરી સ્થિતિમાં શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટે સ્થાનિક મહિલાઓને રોજગારી પૂરી પાડી સમગ્ર રાજ્યમાં પ્રેરક પહેલ કરી છે જે ખરેખર સરાહનીય છે.