સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 12 જૂન 2020 (07:41 IST)

કોરોના વાઇરસના કોપ વચ્ચે ગુજરાતમાં આ વખતે સિંહોની ગણતરી કઈ રીતે કરાઈ?

બુધવારે ગુજરાતના વનવિભાગ દ્વારા ગુજરાતમાં ગત પાંચ વર્ષોની સરખામણીએ એશિયાટિક સિંહોની સંખ્યા 151 વધી 674 એ પહોંચી ગયાની માહિતી આપી હતી. નોંધનીય છે કે પાંચ વર્ષ પહેલાં થયેલી ગણતરી અનુસાર ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા 523 હતી. વડા પ્રધાન મોદીએ પણ તરત પોતાના સોશિયલ મીડિયા મારફતે દેશવાસીઓ સાથે આ ખુશખબર શૅર કરી.
 
પરંતુ અત્યારે જ્યારે સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ જારી છે, તેવા સમયે સિંહોની સંખ્યા જાણવા માટેની આ કવાયત ખતરનાક ન નીવડી શકી હોત?
 
આમ, તો જંગલોમાં પ્રાણીઓ સુધી આ વાઇરસ પહોંચવાનો મસમોટો ખતરો નહોતો?
 
આવા તમામ સવાલો તમારા મનમાં થઈ રહ્યા હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ વખતની સિંહોની ગણતરીની કવાયત દર પાંચ વર્ષે થતી કવાયત કરતાં એકદમ અલગ હતી.
 
આ વખતે પણ 5-6 જૂન દરમિયાન સિંહોની ગણતરી પરંપરાગત રીત પ્રમાણે થવાની હતી.
 
આ વખતની સિંહોની ગણતરી મોટી સંખ્યામાં અધિકારીઓ, સ્વયંસેવકોને સાથે પરંપરાગતપણે નહોતી કરાઈ.
 
પરંતુ લૉકડાઉનની જાહેરાતને પગલે આટલા માનવસંખ્યાબળ સાથે જંગલમાં જઈને સિંહોની ગણતરી કરવાથી મનુષ્યોમાંથી વાઇરસ વન્ય જીવોમાં ફેલાવાની ભીતી હતી, તેથી આ વખત સાવચેતીના ભાગરૂપે ગુજરાતમાં વસતા એશિયાટિક સિંહોની સંખ્યા જાણવા માટે બિનપરંપરાગત અને સલામત રીત એવી 'પૂનમ અવલોકન'ની રીત અપનાવાઈ હતી.
 
સિંહોની પરંપરાગત ગણતરીની રીત
 
દર પાંચ વર્ષે સિંહોની ગણતરી પરંપરાગત રીતે જ થતી. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, બિનસરકારી સંસ્થાઓના સ્વયંસેવકો વગેરે ભાગ લેતા. જેથી ગણતરી બાબતે પારદર્શિતા જળવાઈ રહે.
 
આમ, પરંપરાગત રીતે કરાતી આ ગણતરી માત્ર બે દિવસમાં જ પૂરી કરી શકાય છે. જેમાં પ્રાથમિક તબક્કો અને અંતિમ તબક્કાની ગણતરી સામેલ હોય છે.
 
પરંપરાગત રીતમાં બ્લૉક-કાઉન્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરાય છે.
 
આ પદ્ધતિમાં આ કામમાં લાગેલ કર્મચારીઓ અને સ્વયંસેવકો તેમને અપાયેલા વિસ્તારના જુદા-જુદા વૉટર પૉઇન્ટ પર તહેનાત હોય છે.
 
જેથી આ વિસ્તારોમાં વસતા સિંહો પર પ્રત્યક્ષ નજર રાખી અને તેમની સંખ્યાનું અનુમાન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં પાછલા 24 કલાકમાં ઓછામાં ઓછું એક વખત પાણી પીવા આવનારા સિંહોની ગણતરી કરવામાં આવે છે.
 
આમ, આ રીતમાં અધિકારીઓ અને સ્વયંસેવકો પ્રત્યક્ષપણે નજર રાખી સિંહોની સંખ્યાનો અંદાજ મેળવતા હોય છે.
 
પૂનમ અવલોકનની રીત
 
પરંતુ આ વખત મોટી સંખ્યામાં લોકોને જંગલની અંદર લઈ જવાનું સુરક્ષિત ન હોવાથી ગુજરાતના વનવિભાગ દ્વારા પૂનમ અવલોકનની રીત અપનાવાઈ હતી.
 
આપને જણાવી દઈએ કે પૂનમ અવલોકન એ એક માસિક ઇન હાઉસ કવાયત છે, જેમાં માત્ર વનવિભાગના કર્મચારીઓ જ ભાગ લઈ શકે છે.
 
આ પદ્ધતિ મુજબ સિંહોની ગણતરી માટે ફિલ્ડ સ્ટાફ અને અધિકારીઓ તેમને સોંપાયેલા ક્ષેત્રમાં પૂરા 24 કલાક સિંહોની સંખ્યાનું અનુમાન મેળવવા માટે ગાળે છે.
 
આ રીત વર્ષ 2015ની સિંહોની ગણતરીની તૈયારીના ભાગરૂપે બનાવાઈ હતી.
 
પૂનમ અવલોકનમાં સિંહોની ગણતરીની પરંપરાગત રીત કરતાં ગણતરીની સાવ અલગ પદ્ધતિ અપનાવવામાં આવે છે.
 
પરંપરાગત રીતમાં જેમ અધિકારીઓ અને સ્વયંસેવકો તેમના વિસ્તારમાં આવેલા વૉટર પૉઇન્ટ પર તહેનાત રહીને સિંહોની સંખ્યાનું અનુમાન લગાવવાનું કાર્ય કરે છે, એ પદ્ધતિ પૂનમ અવલોકનમાં અનુસરાતી નથી.
 
આ પદ્ધતિમાં વનવિભાગના અધિકારીઓ એક જ જગ્યાએ તહેનાત રહેવાની જગ્યાએ તેમને સોંપાયેલા વિસ્તારમાં ફરતા રહે છે.
 
લાઇન ટ્રૅકર અને ચાન્સ સાઇટિંગ દ્વારા મળતી વિગતો વડે સિંહોની સંખ્યાનો અંદાજ મેળવવાનું કામ કરે છે.
 
આ વખત સિંહોની ગણતરી માટે પૂનમ અવલોકનનું આ કામ શુક્રવારે બપોરના બે વાગ્યાથી લઈને શનિવાર બપોરના બે વાગ્યા સુધી કરાયું હતું.
 
પાછલાં વર્ષોમાં સિંહોની મૂવમૅન્ટ દેખાઈ હોય તેવા 10 જિલ્લામાં આ સિંહોની સંખ્યા ગણતરી માટેના અવલોકનનું કામ હાથ ધરાયું હતું. જેમાં 13 ફૉરેસ્ટ ડિવિઝનોનો સમાવેશ થતો હતો.
 
પૂનમ અવલોકનની રીત કેટલી ચોક્કસ અને ભરોસાપાત્ર?
 
પરંપરાગત રીતે થતી સિંહોની ગણતરીની સરખામણીમાં પૂનમ અવલોકનની રીતથી કેટલી ભરોસાપાત્ર અને ચોક્કસ માહિતી મળી શકે છે,
 
એ વિશે વાત કરતાં જુનાગઢ વાઇલ્ડ લાઇફ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, 'સિંહોની ગણતરી માટેની આ પદ્ધતિ પણ પરંપરાગત રીત જેટલી જ ભરોસાપાત્ર અને ચોક્કસ હોય છે.'
 
'આ પદ્ધતિના અમલ થકી ન માત્ર સિંહોની સંખ્યા નોંધવામાં આવે છે, બલકે સિંહોના સ્વાસ્થ્ય અંગેની વિગતો પણ નોંધી શકાય છે.'
 
ટૂંક સમયમાં ફરીથી સિંહોની ગણતરી પરંપરાગત રીત મુજબ કરવાનો નિર્ણય લેવાશે કે કેમ? તે પ્રશ્નનો જવાબ આપતાં તેઓ જણાવે છે કે, 'હાલ પરંપરાગત રીતે માહિતી એકઠી કરવાનાં ન હતા. તેથી પૂનમ અવલોકનની પદ્ધતિ અપનાવાઈ છે,'
 
'પરંતુ ભવિષ્યમાં પરંપરાગત રીત મુજબ ગણતરી ફરીથી કરાશે કે કેમ તે અંગેનો નિર્ણય નીતિગત છે, હાલ આ અંગે કોઈ સ્પષ્ટતા નથી.'
 
'આ વખત કોરોનાની પરિસ્થિતિને કારણે પરંપરાગત રીત પ્રમાણે ગણતરી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
પૂનમ અવલોકનમાં ચોકસાઈનું સંપૂર્ણ ધ્યાન રાખી શકાય તે માટે વનવિભાગના 1400 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા. તેથી આ ગણતરીની ચોકસાઈ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.'