કલાકારને કોઈ પક્ષ ન હોય, હું ભાજપમાં નથી જોડાયો : હેમંત ચૌહાણ

hemant chauhan
Last Modified બુધવાર, 21 ઑગસ્ટ 2019 (15:53 IST)
સોમવારે બધા કલાકારો સાથે ભાજપમાં જોડાયેલા ગુજરાતના ખ્યાતનામ ભજનિક હેમંત ચૌહાણે કહ્યું છે કે, તેઓ ભાજપમાં નથી જોડાયા. તેઓ ફક્ત ભાજપના સન્માન કાર્યક્રમમાં ગયા હતા. હેમંત ચૌહાણે બે જ દિવસમાં ભાજપમાં જોડાવાનો ઇન્કાર કરી દેતા હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. હેમંત ચૌહાણે એક વીડિયો પોસ્ટ કરીને પોતે ભાજપમાં જોડાયા હોવાનો ઇન્કાર કર્યો છે.

વીડિયોમાં કહી રહ્યા છે કે, "નમસ્તે ભાઈઓ, બહેને, વડીલો અને બાળકો. આજે મારે એક ચોખવટ કરવાની છે. આજે મીડિયામાં એવી જાહેરાત થઈ છે કે હું ભાજપ સાથે જોડાયો છું. અમે કલાકાર મિત્રો છીએ. સન્માન કાર્યક્રમમાં અમને બોલાવવામાં આવતા હોય છે ત્યારે એક સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે. પાંચ વર્ષ પહેલા મને ચૂંટણીમાં ટિકિટની ઓફર થઈ હતી ત્યારે મેં ના કહી હતી. મારું કામ ભજન કરવાનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું."હેમંત ચૌહાણે વધુમાં કહ્યું કે, "કોંગ્રેસ વખતે પણ અમારા સન્માનો થયા હતા. એ સન્માનોને પણ અમે વધાવી લીધા હતા. રૂપાણી સાહેબના સન્માનને પણ અમે વધાવી લીધું છે. હું કોઈ પક્ષનો માણસ નથી. હું જાતે કહું છું કે ભાજપમાં જોડાયો હોવાનું કોઈ કહે તો આ વાત માનવી નહીં. કોઈ સત્યની રાહ લેતા હોય ત્યારે કલાકાર તરીકે અમે તેને બિરદાવવા માટે જતા હોઈએ છીએ. પાર્ટી કોઈ પણ હોય અમે જતા હોઈએ છીએ. અમે કલાકારો અભિનંદન પાઠવવા માટે ગયા હતા. હું બધાનો છું. કલાકારને કોઈ પક્ષ ન હોય. હું માણસનો માણસ છું. તમે બધા અમારા હૃદયમાં બિરાજમાન છો. હું કોઈ પક્ષમાં જઈને મારી નામના હલકી કરવા માંગતો નથી. મારા વિશે કોઈ અફવા ફેલાવો તો માનવી નહીં. હું ભજન માટે જન્મ્યો છું."
 
 
 
 


આ પણ વાંચો :