ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ઑગસ્ટ 2019 (12:09 IST)

આસામમાં શહિદ થયેલા વડોદરાના વીર શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી

આસમના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. ગોરવા સ્થિત ઘરે હાલ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં વીર શહીદ જવાનની પત્ની અંજના સાધુએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી. સવારે 10:30 વાગ્યે સ્મશાન યાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળી છે અને પંચવટી, સહયોગ, આઇટીઆઇ ગોરવા થઇને ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમયાત્રા પહોંચશે જ્યાં શહીદ જવાનની અંતિમવિધિ કરવામાં આવશે. 

શહીદીને અનુરૂપ અંતિમવિધિ માટે જિલ્લા, પોલીસ તંત્ર અને બીએસએફે તૈયારીઓ કરી છે. શહીદ જવાન સંજય સાધુનો પાર્થિવદેહ મોડી રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે લવાયો હતો. મોટી સંખ્યામાં શહેરીજનો સંજય સાધુને શ્રદ્ધાસુમન અર્પણ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમની શહાદતને બિરદાવવામાં આવી અને શહીદ તુમ અમર રહોના નારાથી એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. બીએસએફ દ્વારા શહીદવીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવદેહને રાજ્ય સરકાર વતી રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજિલ અર્પી હતી. તેમજ સાંસદ, મેયર, પાલિકાના વિરોધપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો, કલેક્ટર અને પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી. ભારે સન્માન સાથે શહીદના પાર્થિવદેહને ફૂલોથી સજાવેલા સૈન્યના વાહનમાં સયાજી હોસ્પિટલ ખાસે લઇ જવાયો હતો. વીર શહીદ જવાનના અંતિમ દર્શન માટે પહોંચેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, ભગવાન વીર શહીદ જવાનની આત્માને શાર્તિ આપે તેવી પ્રાર્થના કરૂ છું. દેશની સુરક્ષા માટે પોતાના પુત્રને મોકલનાર માને હું સલામ કરૂ છું. પોતાના પતિને સુરક્ષા માટે મોકલનાર પત્નીને પણ હું સલામ કરૂ છું. આખા પરિવારને હું અભિનંદન આપુ છું. અને સંજયભાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.