મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (12:40 IST)

ત્રાસવાદી હૂમલાના ઈનપુટ વચ્ચે વડોદરામાં બે શકમંદોની ધરપકડ

ગુજરાતમાં ત્રાસવાદીઓ ઘૂસ્યા હોવાના ઈનપુટ વચ્ચે આતંકી હૂમલાની દહેશતથી રાજસ્થાન તરફી ગુજરાતની બોર્ડર સીલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમીરગઝ અને રતનપુર બોર્ડર પર પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આ અરસામાં ગઈકાલે રાત્રે વડોદરાના વાઘોડિયા હાઇવે પર આવેલા મૉલમાં સફાઈકર્મીને બેગ મૂકી અને બદલામાં 50 હજારની લાલચ આપનારા બે શકમંદોની ધરપકડ કરાઈ છે. આ બનાવના પગલે વડોદરા શહેરમાં મોડી રાત સુધી અફવાઓનું બજાર ગરમ રહ્યું હતું. 
 
પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૉલ ખાલી કરાવ્યો, મૉલમાં ચાલી રહેલા ફિલ્મને પણ બંધ કરાવી પ્રેક્ષકોને બહાર કઢાયા હતા. મોડી રાત્રે પોલીસે બંને શકમંદોની ધરપકડ કરી છે. વડોદરામાં એલ. એન્ડ. ટી નોલેજ સિટી પાસેના તક્ષ ગેલેક્સી મોલમાં રવિવારે સાંજે બે શકમંદો ઘૂસ્યા હતા. તેમણે બીજા માળે સફાઇ કર્મચારીને અમારી કારમાં એક બેગ છે, તેને અહીં મૂકી દે રૂા. 20 હજાર આપીશ તેવું કહ્યું હતું, તેણે બેગ નહીં મૂકવાનું કહેતા બંને નજીકમાં ઉભલી મહિલા સફાઇ કર્મચારી પાસે ગયા હતા અને તેને લાલચ આપી હતી કે, તમને રૂા. 50 હજાર આપીશું, બેગ મોલની અંદર મૂકી દો. મોલના મહિલા કર્મચારીએ ઇનકાર કરી તમારે મૂકવી હોય તો તમારી જાતે મૂકો તેવું કહી દીધું હતું.
 
યુવકોએ મૉલમાં બેગ મૂકવાની વાત કરતા મહિલા સફાઈ કર્મીએ કહ્યું હતું કે અંદર બોંબ છે કે દારૂ છે? આવું પૂછતાની સાથે બંને ત્યાથી રવાના થઈ ગયા હતા. દરમિયાન મૉલ સત્તાધીશોએ આ ઘટનાની જાણ થતાં જ પોલીસને કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. આ કોલ બાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી સહિત સ્થાનિક પોલીસનો સ્ટાફ મોલ પર દોડી ગયો હતો. પોલીસે બોંબ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની મદદથી મોલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 
 
એક તબક્કે મોલને ખાલી કરી દેવાયો હતો તેમજ મલ્ટીપ્લેક્સમાં ચાલુ ફિલ્મમાંથી લોકોને બહાર કાઢયા હતાં. પોલીસે ખૂણેખૂણો ચેકિંગ કર્યા બાદ કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ પોલીસને મળી ન હતી.ગેલેક્ષી મૉલમાંથી ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં તેમણે પોતાના નામ સાગર ઠક્કર અને જીગર હોવાનું કહ્યું હતું. બંન્ને ઇસમોએ ગેલેક્સી મોલ ખાતે સેલ્ફી પણ લીઘી હોવાનુ જણાવ્યુ હતુ. જોકે તેમનો ઇરાદો શું હતો તે હજુ પોલીસની વધુ તપાસમા બહાર આવશે.