બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2019 (15:19 IST)

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૫ મગર બચાવાયા

વડોદરામાં ૩૧મી જુલાઇએ આવેલા ભયાનક પૂર બાદ આજ સુધીમાં ૩૫ મગરને રેસ્કયુ કરવામાં આવ્યા છે. વન ખાતાએ જણાવ્યા અનુસાર વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્ર્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે વડોદરાના વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વિશ્ર્વામિત્રી નદીમાં રહેતા મગરો પણ શહેરમાં આવી પહોંચ્યા હતા.

૩૧ જુલાઈથી ૧ ઑગસ્ટ સુધીમાં વડોદરામાં ૫૦૦ મિ.મી. વરસાદ પડી ચૂક્યો હતો અને વડોદરા શહેર પાણીમાં ગરકાવ થયું હતું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં મગર દેખાવા લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. ૮ ઑગસ્ટ સુધીમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ૨૨ મગરને પકડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ જુદા જુદા સ્થળેથી ૧૩ મગર રેસ્કયુ કરવામાં આવ્યા છે. વડોદરા વન વિભાગના અધિકારી નિધી દવેએ જણાવ્યું છે કે, વડોદરા જંગલ વિભાગ ઉપરાંત એનડીઆરએફની કુશળ ટીમ અને અન્ય એનજીઓના કાર્યકરો પણ મગર રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા. વિશ્ર્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી પસાર થઈ ધાધર નદીને મળે છે. માનવામાં આવે છે, કે બન્ને નદીઓ મગરનું મુખ્ય રહેઠાણ છે. આશરે ૨૫૦ જેટલા મગર બન્ને નદીઓમાં રહે છે. વડોદરાના કલાલી ગામ ઉપરાંત સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડ, ફતેહગંજ, સયાજીગંજ, રાજમહેલ રોડ તેમજ એકોટા વિસ્તારમાંથી મગર પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.