સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2019 (11:11 IST)

રાજકોટ લોકમેળામાં લોકો રાઇડ્સની મજા માણી શકશે, સંચાલકો-તંત્ર વચ્ચે શરતી સમાધાન

રાઈડ્સને લઇને સમગ્ર ગુજરાતમાં તંત્ર અલર્ટ છે ત્યારે રાજકોટમાં તંત્ર આખરે રાઇડ્સ સંચાલકો સામે ઝુક્યું છે. જેને લઈને હવે રાજકોટ લોકમેળામાં રાઇડ્સ જોવા મળશે અને લોકો આ રાઇડ્સની મજા પણ માણી શકશે. 
રાજકોટમાં 22થી 26 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાનાર છે. ત્યારે અગાઉ કલેક્ટરે રાઇડ્સ પર કેટલાક એવા નિતિ નિયમો લાદ્યા હતા જે રાઈડસ સંચાલકોને મંજૂર નહતા. જો કે હવે રાઈડસ સંચાલકો અને તંત્ર વચ્ચે શરતી સમાધાન થયુ છે અને કલેક્ટર દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી છે જેનું પાલન થશે તો જ રાઈડસને મંજૂરી આપવામાં આવશે.

બીજી તરફ રાઈડસના ભાડામાં ઘટાડો કરવા પણ સહમતી બની છે. પહેલા રાઈડસ માટે સંચાલકોએ 3 લાખ રૂપિયા ભાડુ ચૂકવવું પડતું હતું. જેની સામે હવે 2 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે.રાઇડ્સ સંચાલકએ રજૂ કરવું પડશે સોંગદનામું

અમદાવાદમાં કાંકરિયાની દુર્ઘટના બાદ રાજકોટના લોકમેળામાં પણ રાઇડ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે હવે રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચે શરતોને આધીન સમાધાન થયું છે. કલેક્ટરની સાથે યોજાયેલી બેઠકમાં થયેલા સમાધાનમાં શરતો રાખવામાં આવી છે. જેનું પાલન કરીને સંચાલકો રાઇડ્સ ચલાવી શકશે. આ માટે રાઇડ્સ સંચાલકોએ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. રાઇડ્સનો નકશો તંત્રને આપવાનો રહેશે અને રાઇડ્સની ચકાસણી PWD પાસે કરાવવાની રહેશે.

જો કે, અમદાવાદની ઘટના બાદ જન્માષ્ટમી લોકમેળાને લઇને રાજકોટ કલેક્ટર તંત્ર સજાગ બની ગયું છે. લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, રાઇડ્સને એનઓસી આપનાર અધિકારીની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવી છે. જો કોઇ દુર્ઘટના ઘટે તો રાઇડ્સના કોન્ટ્રાક્ટર પર અને એનઓસી આપનાર  સામે પણ ગુનો દાખલ કરીને કાયદેસરના પગલાં ભરવામાં આવશે.