શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (12:24 IST)

ભારે જૂથવાદ જાહેર થતાં રાજકોટ શહેર કોંગ્રેસમાં ભડકો, વોટ્સએપ ગ્રુપ બંધ કરવું પડ્યું

રાજકોટ શહેર કોંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈ બાદ સોશિયલ મીડિયાનું કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપ બંધ કરવું પડ્યું છે. વિવિધ કાર્યક્રમોમાં કોંગ્રેસ આઈટી સેલના હોદેદારો અને કાર્યકરોની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ બાદ શહેર કોંગ્રેસમાં ભડકો થયો હતો. અંદરોઅંદરની લડાઈમાં સોશિયલ મીડિયા માટે બનાવવામાં આવેલું વોટ્સએપ ગ્રુપ બંધ કરવું પડ્યું છે. બહાદુરસિંહ ઝાલા નામના કોંગ્રેસી કાર્યકરે આક્ષેપ કર્યો હતો કે પક્ષના વિવિધ કાર્યક્રમોમાં આઈ.ટી. સેલના હોદેદારો અને કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કોંગ્રેસી કાર્યકરે એવી પણ ટિપ્પણી કરી હતી કે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જતા રહે તેની શું ખાતરી? જો તેઓ સાચા કોંગ્રેસી હોય તો આ અંગે કોર્ટમાં સોગંદનામું કરાવે. કોંગ્રેસના હોદેદારની આવી ટિપ્પણી બાદ પ્રતિક્રિયા આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યુ કે, "આ વિશે મને કંઈ ખબર નથી. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતો. 15મી ઓગસ્ટના રોજ વોર્ડ નંબર-10માં ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો."જ્યારે આ મામલે વોર્ડ નંબર-10ના કોર્પોરેટર મનસુખ કાલરિયાનું કહેવું છે કે, પાર્ટીમાં કોઈ જ માથાકૂટ નથી. અંદરોઅંદરની લડાઈની કોઈ વાત નથી. ગત વર્ષે રાજકોટ શહેરના પૂર્વ મેયર અશોક ડાંગરે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું. અશોક ડાંગર કોંગ્રેસ પક્ષમાંથી અઢી વર્ષ સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે રહી ચુક્યા છે. અશોક ડાંગર કોંગ્રેસના પૂર્વ મંત્રી તેમજ પીઢ નેતા મનોહરસિંહજી જાડેજા જૂથના હતા. નરેન્દ્ર મોદીના કહેવાથી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા હતા. જોકે, ભાજપમાં કોઈ હોદ્દો ન મળતા અશોક ડાંગરે રાજીનામું આપી દીધું હતું અને ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને શહેર પ્રમુખ બનાવ્યા હતા.