ગુજરાતમાં 4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ કે સ્ટેમ્પ પેપર ખરીદાયા હશે તો નવા દર લાગુ થશે,
ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ કરવામાં આવતાં બિલ્ડર એસોસિયેશન અસંતુષ્ટ હોવાનો ઘાટ ઘડાયો છે. જંત્રીના નવા દર અમલી બન્યા બાદ કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને એમાંય ખાસ કરીને બિલ્ડર લોબી સળંગ બે દિવસમાં બે વખત મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચૂકી છે. આજે પણ અમદાવાદ બિલ્ડર એસોસિયેશન મુખ્યમંત્રી સાથે બેઠક કરવા પહોંચ્યા હતા, જેમાં જંત્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પુછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું, 4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે, તેમને નવા દર લાગુ થશે.
જો કે, જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે જણાવ્યું હતું કે સવારે મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે, તે સમયે અધિકારીઓ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની પછીથી જાણ કરાશે.જંત્રી વધારવાની જરૂર છે અને વધવી જ જોઈએ પરંતુ તેમાં સમય આપવો જોઈએ અને 1 મે 2023થી નવા દરો અમલી બનાવવા જોઈએ. જમીન અને બાંધકામમાં જંત્રીમાં વધારો અલગ અલગ હોવો જોઈએ, તે પ્રકારની માંગ અમદાવાદ બિલ્ડર એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.ક્રેડાઈ અમદાવાદ ગાહેડ બિલ્ડર એસોસિયેશન દ્વારા પણ ગત રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને નવા જંત્રી દરના અમલીકરણમાં સમયમર્યાદા વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, તેમની બેઠકનું હજુ સુધી કંઈ પરિણામ આવી શક્યું નથી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સતત બે દિવસ સુધી બિલ્ડર એસોસિયેશન બેઠકનો દોર ચલાવી રહ્યું છે, ત્યારે તમામ બેઠકો વખતે મુખ્યમંત્રી સાથે વિભાગના અધિકારીઓ પણ હાજર રહેતા હતા. જો કે બેઠકના અંતે મુખ્યમંત્રીએ તમામ બિલ્ડર્સને તેમની રજૂઆત પર વિચારણા કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.