ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (19:19 IST)

રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો, વિધાનસભા ખાતે પસાર કરાયેલા કાયદાઓના નિયમો સત્વરે બનાવવા સૂચના

રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો, ડિસેમ્બર-૨૦૨૨ સુધી પૂર્ણ કરાશે રોડના કામો
 
રાજ્યમાં ૧૪,૫૦૦ કિ.મી.લંબાઇના માર્ગોના રિસરફેસ-નવીનીકરણની કામગીરી ડિસેમ્બર-૨૦૨૨ સુધી પૂર્ણ કરાશે
 
રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ચણા-તુવેરની ટેકાના ભાવે ખરીદી ૯૦ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. 
 
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જનહિતકારી માટે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે એની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે ત્યારે રાજ્યમાં ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી વધુ ૯૦ દિવસ કરાશે. આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે તો વધુને વધુ ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ પણ કરાઇ છે. અત્યાર સુધીમાં ૨.૫૨ લાખ ખેડૂતોએ ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 
 
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યભરમાં ૧૨ હજાર કિ.મી.ના માર્ગોના રિસરફેસના તથા ૨,૫૦૦ કિ.મી.ના નવા માર્ગો મળી કુલ ૧૪,૫૦૦ કિ.મી. લંબાઇના માર્ગોની રીસરફેસ નવીનીકરણની કામગીરી આગામી ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે. 
 
મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો સૌરાષ્ટ્ર-તારાપુર માર્ગનું કામ પૂર્ણ થયુ છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે જ્યારે તારાપુર-બગોદરા ફેઝ-૨ના રૂા.૬૫૦ કરોડના કામો મંજૂર કર્યા છે જે કામો સત્વરે શરૂ કરાશે. 
 
તેમણે ઉમેર્યુ કે, જળસંચય અભિયાનને વધુ બળ આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રયાસો હાથ ધર્યા હતા તેને આગળ વધારવા  માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી સમયમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમયસર હાથ ધરવાનું નક્કી કર્યુ છે જેના પરિણામે ગ્રામ્યસ્તરે પાણીની સુવીધા વધશે અને પાણીના સ્તર ઉંચા આવશે તેમજ તળાવોમાંથી નીકળતી ફળદ્રુપ માટી પણ ખેડૂતોને તેમના ખેતરમાં નાખવા વિના મૂલ્યે અપાશે જેથી જમીનની ફળદ્રુપતા વધશે. 
 
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવતાં એફિડેવિટમાંથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે. આ વ્યવસ્થાનો સત્વરે અમલ થાય અને નાગરિકોને કોઈ તકલીફ ના પડે તેવી કડક સૂચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટર સહિત સંબંધિત કચેરીઓને આપવામાં આવી છે.
 
તેમણે કહ્યું હતું કે, વિધાનસભામાં સમયાંતરે નવા એકટ-કાયદા પસાર કરવામાં આવે છે. આ નવા કાયદાના બાકી રહેલા નિયમો સત્વરે બની જાય તેવી સૂચનાઓ આજે મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિભાગોને આપવામાં આવી છે.
 
પ્રવકતા મંત્રીએ કહ્યું હતું કે, આગામી માર્ચ ૨૦૨૨માં ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ પૂર્ણ થાય, તેની પૂરેપૂરી ગ્રાન્ટ વપરાય અને તેનો મહત્તમ લાભ પ્રજાને મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. જેથી નવા બજેટમાં નવી યોજનાઓનો મહત્તમ લાભ મળી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.
 
મંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપી વૈશ્વિકસ્તરે તૈયાર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં ખેલ મહાકુંભ-રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તેમજ રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલ  તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ સાંજે શ્રી શક્તિ ગ્રીન્સ એન્ડ કન્વેન્શન સેન્ટર ગોતા-અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં નોંધણી માટે ‘કર્ટેન રેઈઝર’ પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. 
 
તેમણે કહ્યું હતું કે, આવતીકાલે યોજાનાર ખેલ મહાકુંભ ‘કર્ટેન રેઈઝર’ કાર્યક્રમનું વંદે ગુજરાત ચેનલમાં અંદાજે ૯,૦૦૦ ગામોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. જિલ્લાઓમાં ૧૫૦ રમતવીરો ૨૫૨ તાલુકામાં તાલુકા દીઠ ૫૦ જેટલા રમતવીરો જોડાશે. આમ રાજ્યભરમાંથી અંદાજે ૫.૫૦ લાખ લોકો વિવિધ માધ્યમોથી ઓનલાઇન કાર્યક્રમમાં જોડાશે. 
 
આ ખેલ મહાકુંભમાં વિવિધ કુલ ચાર કેટેગરીમાં ખેલાડીઓ ભાગ લઈ શકશે. આગામી સમયમાં યોજાનાર ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી અંદાજે ૪૫ લાખ રમતવીરો ભાગ લેશે તેવી સંભાવના છે. રાજ્યભરમાંથી વધુમાં વધુ ખેલાડીઓ આ ખેલ મહાકુંભમાં જોડાઈને પોતાનું રમત કૌશલ્ય બતાવે તેવો મંત્રીએ ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.