શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: વડોદરા , ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (19:34 IST)

1993માં વડોદરાના સુરસાગર તળાવમાં બોટ પલ્ટી જતાં 22 લોકોના મૃત્યુ થયા હતાં

sursagar vadodara
શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 10 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના બાદ વડોદરામાં 1993માં સુરસાગર તળાવમાં થયેલી દુર્ઘટનાની યાદ તાજી થઈ છે. 
 
બોટ પલ્ટી જતા 17 પરિવારના 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં
વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરાઈ હતી. તે વખતે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 17 પરિવારના 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ન્યાય અને વળતર અપાવવા જાગૃત નાગરિક સંસ્થાના પુરુષોત્તમ મુરજાણીએ જિલ્લા ગ્રાહક કમિશન, રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી. 
 
સુપ્રીમ કોર્ટે પણ તે વખતે વળતર ચૂકવવા આદેશ કર્યો હતો
જેમાં સુપ્રીમ કોર્ટે 17 પરિવારજનોના 22 મૃતકોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ મામલે લડત ચલાવનાર પી.વી.મુરજાણીની 17 વર્ષની લડત બાદ મૃતકોના પરિવારજનોને વ્યાજ સાથે રૂ. 1.39 કરોડ ચૂકવવાનો પાલિકાને હુકમ કરાયો હતો. જે બાદ મ્યુ.કોર્પોરેશનને વળતર પેટેની રક્મ ચૂકવી હતી. ત્યારબાદ 2010માં વડોદરા કોર્પોરેશન દ્વારા બોટિંગની સુવિધા શરૂ કરવામા આવી હતી પરંતુ એ વખતે પણ બોટમાં બેસવા જતા બે કોર્પોરેટરો સહિત ત્રણ લોકો તળાવમાં પડી જતાં સુવિધા બંધ કરવામાં આવી હતી. જે 2022માં ફરીવાર શરૂ કરાઈ હતી.