બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2022 (11:39 IST)

આણંદમાં ભાઈકાકા સ્ટેચ્યૂ પાસે ભિક્ષા માગતાં યુવતીએ માનવતા દર્શાવી રૂપિયા આપ્યા, બદલામાં ભિક્ષુકે શારીરિક અડપલાં કર્યાં

news of gujarat
આણંદમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર ટ્યૂશનથી ઘરે પરત જઈ રહેલી છાત્રાની ભરબપોરે શખસે છેડતી કરતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવને પગલે શિક્ષણનગરી તરીકે ઓળખાતા આણંદ-વિદ્યાનગરમાં યુવતીઓની સલામતની લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.છેડતી કરનારા શખસે યુવતી પાસે ભીખમાં પૈસા માગતાં તેણે પાંચ રૂપિયા આપ્યા હતા. જોકે વધુ પૈસા માગતાં તેણે ન આપતાં નરાધમે યુવતીની છેડતી કરી હતી. તેણે બુમરાણ મચાવતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેને મેથીપાક ચખાડી વિદ્યાનગર પોલીસને હવાલે કર્યો હતો.

સમગ્ર બનાવની હકીકત એવી છે કે વિદ્યાનગર રોડ સ્થિત ખાનગી ટ્યૂશન ક્લાસમાંથી બુધવારે બપોરે પોણાબાર વાગ્યાની આસપાસ 18 વર્ષીય છાત્રા પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી. એ દરમિયાન તે પગપાળા જઈ રહી હતી ત્યારે એક શખસ નાના છોકરા સાથે તેની પાસે આવ્યો હતો. તેણે યુવતી પાસે ભીખમાં પૈસા માગ્યા હતા. જોકે યુવતીએ પાંચ રૂપિયા તેને આપતાં જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ગમે તેમ અપશબ્દ બોલી આટલા ઓછા પૈસા કેમ આપ્યા, થોડા વધારે પૈસા આપ તેમ કહ્યું હતું.બીજી તરફ, વિદ્યાર્થિનીએ વધુ પૈસા ન આપી તેને ત્યાંથી જતા રહેવાનું કહેતાં જ શખસ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. અચાનક શખસની હરકતથી ભયભીત છાત્રાએ તરત જ બુમરાણ મચાવી હતી, જેને પગલે આજુબાજુમાંથી લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં અને તેમણે શખસ અને તેની સાથેના બાળકને પકડી પાડ્યા હતા. યુવતીએ પોતાની સાથે બનેલી તમામ આપવીતી જણાવતાં જ ટોળાંએ ભિક્ષુકને મેથીપાક ચખાડ્યો હતો.વિદ્યાનગરમાં યુવતીની છેડતી કરનાર ભિખારીને મેથીપાક ચખાડ્યા બાદ ટોળાં દ્વારા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. બીજી તરફ, વિદ્યાર્થિની દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે છેડતી કરનારા મિયાગામ કરજણના વતની અને હાલ તારાપુર રહેતો શખસ વિક્રમ સલાટ વિરુદ્ધ લેખિતમાં અરજી આપવામાં આવી હતી, જેને પગલે પોલીસ દ્વારા 151 અને 107 કલમ હેઠળ તેની ધરપકડ કરી મોડી સાંજે મામલતદાર સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાં તેનો જામીન પર છુટકારો થયો હતો.