ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (09:54 IST)

ગુજરાતમાં સૂર્યમંદિર, રાણીની વાવ, ચાંપાનેરનો કિલ્લો, જુનાગઢની બૌદ્ધ ગુફાઓ ખાનગી કંપનીના સહયોગમાં વિકસાવાશે

કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના ચાર પર્યટને સ્થળો સહિત દેશમાં 22 પર્યટન સ્થળોને પીપીપી ધોરણે ડેવલપ કરી તેને આકર્ષક બનાવવા ખાનગી કંપનીઓ સાથે સમજૂતી કરવામાં આવી છે. ગુજરાતમાં મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો પુરાતત્વ પાર્ક તેમજ જુનાગઢની બૌદ્ધ ગુફાઓને પીપીપી ધોરણે વિકસાવવા માટે અમદાવાદની એક ટ્રાવેલ્સ કંપની સાથે એમઓયુ કરાયા છે. જેના પગલે હવે કંપની દ્વારા મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવ પાટણ ખાતે 15 સપ્ટેમ્બરથી તેમજ પુરાતત્વ પાર્ક ચાંપાનેર અને બૌદ્ધ ગુફા જુનાગઢ ખાતે 1 ડિસેમ્બરથી વિકાસ કામો શરૂ થવાની શક્યતા છે. ગુજરાત સહિત દેશભરમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અને પર્યટન સ્થળો પર સાફ સફાઈની સાથે ટુરિસ્ટરોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે ટુરિઝમ વિભાગ દ્વારા પીપીપી ધોરણે પર્યટન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. કંપનીના એમડી મનીષ શર્માએ જણાવ્યું કે, ગુજરાતમાં તેમને ચાર સ્થળો વિકસાવવાની જવાબદારી મળી છે. જેમાં મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવ પાટણ ખાતે 15સપ્ટેમ્બરથી તેમજ પુરાતત્વ પાર્ક ચાંપાનેર અને બૌદ્ધ ગુફા જુનાગઢ ખાતે 1 ડિસેમ્બરથી ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાશે.આ ચારેય સ્થળો પર કંપની દ્વારા પાણી અને ટોયલેટ, ઈન્ફર્મેશન સિસ્ટમ, વાઈફાઈ, ઓડિયો ડિજીટલ ગાઈડ સિસ્ટમ, ડસ્ટબીન, પાથવે, બેંચ, વ્હીલચેર, સાફ સફાઈ, ગાઈડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. સાથે જ ચા-નાસ્તાના સ્ટોલ, લોકર અને ક્લોક રૂમ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, મેટલ ડિટેક્ટર, સિક્યોરિટી કેબિન, વાહન પાર્કિંગ સહિત અન્ય સુવિધાઓ પણ વધારાશે. આ સ્થળો વધુ આકર્ષક બને તે માટે સાઉન્ડ અને લાઈટ શોની સુવિધા પણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. મોટાભાગની તમામ સુવિધાઓ ચાલુ નાણાકીય વર્ષમાં ઉપલબ્ધ કરાશે. ટુરિસ્ટોને આકર્ષવા ગુજરાતમાં બે હેરિટેજ સર્કિટ તેમજ એક બૌદ્ધ સર્કિટની કામગીરી ચાલી રહી છે. જેમાં અમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડી હેરિટેજ સર્કિટ 59.17 કરોડના ખર્ચે, વડનગર-મોઢેરા હેરિટેજ સર્કિટ 91.84 કરોડના ખર્ચે તેમજ જૂનાગઢ-ગિરસોમનાથ-ભરૂચ-કચ્છ-ભાવનગર-રાજકોટ-મહેસાણા બૌદ્ધ સર્કિટને 28.67 કરોડના ખર્ચે વિકસાવાશે.