1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 માર્ચ 2022 (14:44 IST)

જામનગરમાં હોટલના ધંધા સાથે સંકળાયેલા પરિવારના 5 સભ્યો લાપતા, પોલીસે શોધખોળ શરૂ કરી

જામનગર શહેરમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો અચાનક કોઈપણ કારણોસર ગુમ થયા હતા. જેને લઈ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યો એકસાથે લાપતા થઈ જતા ચકચાર જાગી છે.

પરિવારના મોભી હોટલના ધંધા સાથે સંકળાયેલા છે. પરિવારના 5 સભ્યો ગુમ થયાની જાણ જામનગર પોલીસમાં કરવામાં આવી છે. પોલીસને ઘરમાંથી મોબાઈલ ફોન અને સીમ કાર્ડ તુટેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ પોલીસે સગા સંબંધીઓ સાથે તપાસ કરતા આર્થીક સંકળામણના કારણે પરિવારજનો ઘરેથી જતા રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

શહેરમાં એક જ પરિવારના 5 સભ્યો ગુમ થતા ભારે ચકચાર મચી છે. પરિવારના મુખ્ય સભ્ય હોટલના ધંધા સાથે સંકળાયેલા અરવિંદભાઈ નિમાવત ઉં.વ 52 અને તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ નિમાવત ઉં.વ45 તેમજ તેમની દીકરી કિરણ અરવિંદભાઈ નિમાવત ઉં.વ26 અને દીકરો કરણ અરવિંદભાઈ નિમાવત ઉં.વ22 અને અન્ય એક દીકરા સહિત પરિવારના આ પાંચ સભ્યો લાપતા છે. આ તમામ લોકો ગત 11 માર્ચના રોજ કોઈપણને જાણ કર્યા વગર ઘરથી ચાલ્યા ગયા છે.આ અંગેની ગઈકાલે જામનગર સીટી સી ડિવિઝનમાં જાણ કરાઈ હતી. ખાસ કરીને આ પરિવાર કયા કારણથી લાપતા બન્યો છે, ક્યાં છે અને ક્યાં ચાલ્યો ગયો છે તે અંગે જામનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.આ પરિવારના કોઈપણ સભ્યો વિશે જાણ થાય તો તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવે તેવો પોલીસ દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. હોટલના ધંધા સાથે સંકળાયેલા આ વ્યકિત પરિવાર સાથે લાપતા થયો છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.