શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જાન્યુઆરી 2022 (14:15 IST)

ગુજરાતમાં ઉત્તરાયણ બાદ ત્રણ જ દિવસમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ નોંધાયા, અમદાવાદમાં દૈનિક કેસમાં 38 ટકાનો ઉછાળો,

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યાં છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો લગાવ્યાં પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થયું નહીં. ઉત્તરાયણનો તહેવારમાં પણ લોકો બેફામ બન્યાં હતાં.

બીજી તરફ ઉત્તરાયણ બાદ કમૂરતા ઉતરતાં જ લગ્ન પ્રસંગોમાં પણ લોકોની ભીડ ભેગી થવા માંડી હતી. જેથી ઉત્તરાયણ બાદ ત્રણ જ દિવસમાં રાજ્યમાં કોરોનાની સુનામી આવી. 15 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં 50 હજાર જેટલા કેસો નોંધાયાં છે. લોકો હજી નહીં સુધરે અને નિયમો નહીં પાળે તો આ 
આંકડો વધુ ઉંચાઈએ પહોંચવાની શક્યતાઓ છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં એક જ દિવસમાં 34 ટકા અને ત્રણ દિવસમાં 87 ટકાનો ઉછાળો આવ્યો છે. 18 જાન્યુઆરીએ ગુજરાતમાં 17 હજાર 117 કેસ નોંધાયા હતાં અને 10 દર્દીઓના મોત નિપજ્યાં હતાં. બીજી બાજુ સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. શહેરમાં દૈનિક કેસમાં 38 ટકાનો ઉછાળો આવતાં 10મી વખત કોરોનાના કેસ પાંચ હજારનો આંકડો વટાવી ગયાં છે. 13 જાન્યુઆરીથી કોરોનાના કેસનો આંકડો 10 હજાર પાર કરી ગયો હતો. 13 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 70 હજાર 394 કેસ નોંધાયા છે. આમ જોઈએ તો ડિસેમ્બર 2021ના અંતિમ દિવસોમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હતી. 31 ડિસેમ્બર બાદ કેસનો આંકડો એક હજાર પાર કરી ગયો હતો જે 6 જાન્યુઆરીએ ચાર હજારને પાર કરી ગયો હતો. ત્યાર બાદ કેસમાં સૌથી મોટો ઉછાળો આવ્યો હતો અને 10 હજારને પાર આંકડો પહોંચી ગયો હતો.વર્ષ 2022ના જાન્યુઆરી મહિનાના 18 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 1 લાખ 24 હજાર 380 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 9 લાખ 56 હજાર 112 પર પહોંચ્યો છે. જાન્યુઆરીના 18 દિવસમાં વકરેલા કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યનો રીકવરી રેટ 98.43 ટકાથી ઘટીને 90.61 ટકા થઈ ગયો છે. રાજ્યના ચાર મહાનગરોના કેસ ચાર આંકડામાં તેમજ ચાર મ્યુનિસિપાલિટી તથા 13 જિલ્લાના કેસ ત્રણ આંકડા પર પહોંચી ગયાં છે. જેમાં અમદાવાદમાં 5998 કેસ સાથે નવો રેકોર્ડ સર્જાયો છે. છોટા ઉદેપુર અને ડાંગ સિવાયના અન્ય જિલ્લાઓના કેસ ડબલ ડિજિટમાં આવી ગયાં છે.