સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (16:11 IST)

પાટણમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી, પુત્રની ફરિયાદને આધારે માતા અને તેનો પ્રેમી જેલ હવાલે

પિતાએ પુત્રને કહ્યું હતું કે, એક દિવસ તારી માતા એના આડાસંબંધોમાં મારો જીવ લેશે
 
પાટણઃ પ્રેમ પ્રકરણમાં એક પરણિત યુવકની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે મૃતકને તેની પત્નીએ જ પ્રેમી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ સમગ્ર ઘટનામાં હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને કેટલાક શકમંદોને ધરપકડ કરવામાં આવેલ છે.મૃતકના મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
 
પત્નીને ગામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો
પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દૂધા રામપુરા ગામમાં રહેતા મોહનભાઈ પરમારની પત્ની ભગીબેનને ગામના જ અરવિંદ ઠાકોર નામના શખ્સ સાથે આડાસંબંધ હોવાની જાણ મોહનભાઇને થઈ હતી. જેથી ભગીબેન અને અરવિંદને મોહનભાઇ આંખના કણાની જેમ ખૂંચતાં હતાં.મોહનભાઇ અને ભગીબેન વચ્ચે વારંવાર ઝઘડો પણ થતો હતો.મોટો પરિવાર હોવાથી આ ઝઘડો શાંત થઈ જતો હતો. ભગીબેને પ્રેમી અરવિંદ સાથે મળીને મોહનભાઇને પોતાના રસ્તામાંથી દૂર કરી દેવાનું  નક્કી કરી દીધું હતું.
 
લાશ જોતાં જ પોતાના પિતા હોવાની ઓળખ કરી
મૃતક મોહનભાઈના પુત્રએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગઇકાલે તેની માતા અને પિતા બહાર જઇ રહ્યાં હતાં. ત્યારે તેણે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? ત્યારે માતાએ જણાવેલું કે અમે મજૂરીના પૈસા લેવા માટે જઇએ છીએ. સાંજે  માતા એકલી જ ઘરે ફરતાં પુત્રએ સવાલ કર્યો હતો કે મારા પિતા ક્યાં છે? તો માતાએ જણાવેલું કે તારા પિતા બીજા કામ માટે રોડા ગામે ગયા છે. મોડે સુધી પિતા ઘરે નહીં આવતાં તેણે પિતાના નંબર પર ફોન કરતાં ફોન રિસીવ નહોતો કર્યો. પુત્રએ તેના મિત્રોને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને પિતાને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે વાંસા ગામની નર્મદા કેનાલની બાજુના નાળામાં એક મૃતદેહ પડ્યો છે. જેથી તે મિત્રો સાથે એ સ્થળે પહોંચ્યો હતો. તેણે લાશ જોતાં જ પોતાના પિતા હોવાની ઓળખ કરી હતી.
 
પુત્રની ફરિયાદના આધારે બંને હત્યારાઓ જેલ હવાલે 
આ ઘટના દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના પુત્રની પુછપરછ કરતાં તેણે તેની માતા અને તેનો પ્રમી શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું.પોલીસે ભગીબેન અને તેના પ્રેમીની પૂછપરછ કરતાં તેઓ જવાબ આપવામાં આનાકાની કરવા લાગ્યાં હતાં.પોલીસે તેમની આગવી ઢબે પૂછપરછ કરતાં બંનેએ મળીને મોહનભાઇની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. હાલ પોલીસે પુત્રની ફરિયાદના આધારે બંને હત્યારાઓને જેલ હવાલે કર્યાં છે.