બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , શનિવાર, 27 જુલાઈ 2024 (16:03 IST)

રાજકોટમાં DCP પૂજા યાદવે 3 કાર ડીટેન કરતાં ભાજપના કાર્યકરોએ માથાકૂટ કરી

DCP Pooja Yadav detains 3 cars as BJP workers
DCP Pooja Yadav detains 3 cars as BJP workers
 ગુજરાતમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓ કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ લઈને નીકળ્યા હતાં. આ દરમિયાન કિશાનપુરા ચોક ખાતે પોલીસે તેમની કારને અટકાવી હતી. પોલીસે કારને ડીટેન કરતાં ભાજપનો ખેસ પહેરીને કાર્યકરોએ ટ્રાફિક DCP સાથે જાહેરમાં બોલાચાલી કરી હતી. પરંતુ ટ્રાફિક DCPએ તેમને કાયદો બધા માટે સરખો છે એવું કહીને ત્રણેય કાર ડીટેન કરી લીધી હતી. બીજી તરફ ત્રણેય કાર રાજકોટના મહિલા ધારાસભ્ય ડો.દર્શિતાબેનની ભલામણથી જવા દીધીની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. 
 
ભાજપના કાર્યકરોએ DCP સામે માથાકૂટ કરી
રાજકોટ શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા ગઈકાલે સમગ્ર શહેરમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસીપી જયવીર ગઢવી સહિત પોલીસ સ્ટાફ કિશાનપરા ચોક ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કાળા કાચવાળી અલગ અલગ 3 કાર નંબરપ્લેટ વગર પસાર થતાં તેમને અટકાવી ડિટેઇન કરવા સૂચના આપી હતી. આ ત્રણેય કારમાં શહેર ભાજપના યુવા મોરચાના હોદેદારોની પ્લેટ લગાવવામાં આવી હતી. કાર ડિટેઇન કરવાનું કહેતાં ભાજપનો ખેસ પહેરી 10 જેટલા લોકો રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને ટ્રાફિક એસીપી જયવીર ગઢવી સાથે બોલાચાલી કરી ડિટેઇન ન કરવા અને દંડ મેળવી લેવા ભલામણ કરતા હતા. 
 
બ્લેક ફિલ્મ અને નંબરપ્લેટ વિનાની કાર હતી
ભાજપના કાર્યકરોએ પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. આ દરમિયાન DCPએ પોલીસ સ્ટાફને ત્રણેય કાર ડીટેન કરી લેવા સ્પષ્ટ સૂચના આપી હતી.રાજકોટ ટ્રાફિક એસીપી જયવીર ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટમાં આજે ડીસીપી ટ્રાફિક સાહેબની સૂચનાથી ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી અને આ દરમિયાન કિશાનપરા ચોક ખાતે 3 કાળા કાચવાળી નંબરપ્લેટ વગરની કાર આવી હતી, જેમને ડિટેઇન કરવામાં આવી છે. કાર કોની છે એનાથી કોઈ મતલબ નથી. કાયદા મુજબ ડિટેઇન કરવામાં આવી છે.DCP સાહેબની સૂચનાથી કાર ડિટેઇન કરવામાં આવી છે.
 
આગેવાનો વિલા મોઢે ત્યાંથી રવાના થઈ ગયા હતા
DCPનું આકરું વલણ જોઈ ભાજપના બે આગેવાન કાર છોડીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી અન્ય આગેવાનોને લઈને પહોંચ્યા હતા, ભાજપના આગેવાનોએ સ્થળ પર દંડ વસૂલી કાર છોડી દેવા કહ્યું હતું. પરંતુ ડીસીપી યાદવે કાયદો તમામ માટે એક સમાન છે એમ કહી બંનેની કાર ડિટેઇન થશે તેવું કહી દેતાં આગેવાનો વિલા મોઢે ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્રણેય કાર ત્યાંથી શિતલપાર્ક ડેપો ખાતે મોકલવાની કાર્યવાહી કરી દેવામાં આવી હતી. અહીં RTOનો મેમો આપવામાં આવ્યો હતો અને આરસી બુક કબજે કરી કારો આપી દેવાઈ હતી. આરટીઓનો મેમો ભરેલી પહોંચ રજૂ કર્યા બાદ ત્રણેય કારની આરસી બુક પરત કરવામાં આવશે.