સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 27 જુલાઈ 2024 (15:26 IST)

ગુજરાત ભાજપના સિનિયર નેતાઓને લાગશે લોટરી, આ પદ માટે ત્રણ નામોની ચર્ચાઓ શરૂ

Rajyapal from Gujarat
Rajyapal from Gujarat
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા પ્રમુખ કોણ બનશે તેના માટે અનેક નામોની અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે તાજેતરમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાને મળ્યા હતાં. ત્યાર બાદ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરતાં રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયાં છે. ત્યારે એવા અહેવાલો પ્રકાશમાં આવ્યાં છે કે, ગુજરાતના બે નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. 
 
વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ ચર્ચામાં
ગુજરાતમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને મંગુભાઈ પટેલ બાદ હવે ગુજરાતના અન્ય સિનિયર નેતાઓને પણ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના ત્રણ નેતાઓને રાજ્યપાલનું પદ મળી ચૂક્યું છે. ત્યારે ગુજરાતના વધુ બે નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપના સુત્રો અનુસાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજ્યપાલના પદની લોટરી લાગી શકે છે. તે ઉપરાંત પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ પણ ચર્ચાઓમાં ચાલી રહ્યું છે. 
 
ગુજરાતના નેતાઓને રાજ્યપાલ બનાવે તો નવાઈ નહીં
કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ 2014માં વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતાં.તે ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને 2019માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલની જવાબદારી સોંપાઈ હતી. જો કે, આગામી 29 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તેમજ વજુભાઈ વાળાનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. એવામાં હવે ગુજરાતના વધુ 2 સિનિયર નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ભાજપના સુત્રોમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતના નેતાઓની કામગીરીથી નરેન્દ્ર મોદી પણ સારી રીતે વાકેફ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ગુજરાતના નેતાઓને રાજ્યપાલ બનાવે તો નવાઈ નહીં.