સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2023 (17:19 IST)

નવા શૈક્ષણિક સત્રથી રાજ્યમાં 9.77 લાખ ભૂલકાંઓએ આંગણવાડી અને 2.30 લાખ બાળકોએ ધોરણ-1માં પ્રવેશ મેળવ્યો

પ્રવેશોત્સવ દરમ્યાન 27 જિલ્લાઓની 27368 પ્રાથમિક શાળાઓની 46600 થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી 
 
પ્રવેશોત્સવ દરમ્યાન બાળકો માટે 23.61 કરોડ રૂપિયાની વિવિધ ચીજવસ્તુઓ લોકભાગીદારીથી પ્રાપ્ત થઇ
 
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-2023માં સહભાગી થયેલા પદાધિકારીઓ અને અધિકારીઓના પ્રવેશોત્સવ દરમ્યાનના અનુભવોના આદાન-પ્રદાન માટે યોજાયેલી બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા. આ શાળા પ્રવેશોત્વમાં જે-તે ગામોની કે શાળાઓની મુલાકાત દરમ્યાન અથવા SMC સાથેની બેઠક દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થવું જોઈએ.આ ડૉક્યુમેન્ટેશન સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને જે-તે શાળાઓમાં ત્રૂટિઓ દૂર કરી સુવિધા-સગવડ આપી સારૂં પરિણામ મેળવવામાં મદદરૂપ થશે. આ વખતે ધોરણ-1 માં કુલ 2 લાખ 30 હજાર બાળકોએ તથા આંગણવાડીમાં 9 લાખ 77 હજાર 513 ભુલકાંઓએ પ્રવેશ મેળવ્યો છે. 
 
9.77 લાખ ભૂલકાંઓએ આંગણવાડીમાં પ્રવેશ લીધો
તેમણે જણાવ્યું કે, શાળાની મુલાકાતે ગયેલા અધિકારીઓ પોતાના સાચા-સારા અનુભવો વ્યક્ત કરીને ભવિષ્યના પ્રવેશોત્સવ માટે ઉપયોગી મહત્વપૂર્ણ સૂઝાવ આપે તે અપેક્ષિત છે. આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવ-2023ની સફળતા અંગેના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યના 27 જિલ્લાઓની 27368 પ્રાથમિક શાળાઓમાં આ દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવ અન્વયે 315 જેટલા વર્ગ-1-2 ના અધિકારીઓ સહિત 46600થી વધુ મહાનુભાવોએ શાળાઓની મુલાકાત લીધી હતી. ધોરણ-1 માં કુલ 2 લાખ 30 હજાર બાળકોએ તથા આંગણવાડીમાં 9 લાખ 77 હજાર 513 ભુલકાંઓએ પ્રવેશ મેળવ્યો છે. 
 
28973 વર્ગખંડોના નિર્માણનું આયોજન
આ પ્રવેશોત્સવ દરમ્યાન બાળકો માટે 23.61 કરોડ રૂપિયાની વિવિધ ચીજવસ્તુઓ લોકભાગીદારીથી પ્રાપ્ત થઇ છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરે કહ્યું કે, રાજ્યની શાળાઓમાં આગામી દિવસોમાં 28973 વર્ગખંડોનું 5200 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે પણ પ્રક્રિયા હાથ ધરાઇ છે. શાળા પ્રવેશોત્સવને પગલે ગુણોત્સવ અને સ્કૂલ એક્રેડીટેશન પણ રાજ્ય સરકાર કરે છે. ત્રણ વર્ષ પહેલાં પચાસ ટકાથી ઓછો સ્કોર ધરાવતી શાળાઓની સંખ્યામાં આ વર્ષે 11 ટકાનો ઘટાડો થયો છે. પચાસ ટકાથી વધુ સ્કોર ધરાવનારી શાળાઓની સંખ્યા 23885 થી વધીને 28946 થઇ ગઇ છે.