સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 મે 2022 (16:23 IST)

વડોદરામાં વેપારીએ ક્રેડિટ કાર્ડના પોઇન્ટ જોવા માટે ગુગલ પરથી નંબર મેળવી કોલ કરતા 75 હજાર ગુમાવ્યા

વડોદરા સહિત રાજ્યભરમાં સાયબર માફિયાઓના શિકાર થયાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરાના વેપારીએ ક્રેડિટ કાર્ડના પોઇન્ટ જોવા માટે ગુગલ પરથી નંબર મેળવી કોલ કરતા રૂપિયા 75 હજાર ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવ અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.મળેલી માહિતી મુજબ વડોદરા પાસે આવેલા પોર દરવાજા ફળિયામાં રવિભાઇ નટવરભાઇ પટેલ રહે છે. તેઓ વેપાર કરે છે. તેઓએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પાસે સાઉથ ઇન્ડિયન બેંકનું ONE કંપનીનું ક્રેડિટ કાર્ડ છે. જેની લિમીટ રૂપિયા 95 હજાર છે. આ ક્રેડિટ કાર્ડથી તેઓ શોપિંગ કરે તો તેમને તેના પર પોઇન્ટ મળે છે.

આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેઓ શોપીંગ માટે કરતા હતા. 19 મેના રોજ તેઓ ઓફિસમાં હતા. દરમિયાન તેમના ONE ક્રેડિટ કાર્ડમાં કેટલા પોઇન્ટ છે તે જાણવાની તેમને ઉત્સુકતા થઇ હતી.ક્રેડિટ કાર્ડના પોઇન્ટ મોબાઇલ એપ્લીકેશનમાં બતાવતા ન હોવાને કારણે તેઓ ગુગલ સર્ચ કરી કંપનીના કસ્ટમર કેરનો નંબર મેળવે છે. અને તેના પર કોલ કરીને પોઇન્ટ બતાવતા ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેઓનો સામેથી જવાબ મળ્યો કે બીજા નંબર પરથી ફોન આવશે.

બીજા નંબર પરથી સાંજે ફોન આવતા પોતાની ઓળખ ક્રેડિક કાર્ડ કંપનીના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાની આપી હતી. જે બાદ એની ડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવવા જણાવ્યું હતું. પ્લીકેશન ડાઉન લોડ કરાવ્યા બાદ વેપારીના મોબાઇલ પર અચાનક ઓટીપી આવવાના શરૂ થઇ ગયા હતા. વેપારીએ પુછ્યું કે, મારા ફોન પર શેના ઓટીપી આવી રહ્યા છે. તો વેપારીને જવાબ મળ્યો કે તમે ઓટીપી પર ધ્યાન ન આપશો.એક સાથે ચાર-પાંચ ઓટીપી આવતા વેપારીને શંકા ગઇ હતી અને તેમણે ફોન કાપી નાંખ્યો હતો. જે બાદ વેપારીએ ક્રેડિટ કાર્ડ કંપનીની એપ્લીકેશનમાં જોતા તેમાંથી વિવિધ ટ્રાન્ઝેક્શન થકી કુલ. રૂ. 75,746 કપાઇ ગયેલા હોવાનું જોવા મળ્યું હતું. જે બાદ વેપારીએ ક્રાઇમ બ્રાન્ચના ટોલ ફ્રી નંબર પર આ અંગેની જાણ કરી હતી. જે બાદ સમગ્ર મામલે વરણામાં પોલીસ મથકમાં અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.