1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (15:42 IST)

વેરાવળ પંથકમાં રજવાડી ઠાઠથી હેલિકોપ્ટરમાં જાન લઈ વરરાજાઓ તાલાલા પરણવા પહોંચ્યા

લગ્નની સિઝન જામી છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત લોકો એકઠા થઈને અવસરોની ઉજવણી કરી રહ્યાં છે. હવે સરકારે પણ લગ્ન સમારંભોમાં 400ની મર્યાદામાં છુટ આપી છે. ત્યારે વિવિધ પ્રકારના લગ્નો હવે ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથના વેરાવળમાં આહીર સમાજના આગેવાનના બે પુત્રનો રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં બન્ને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યા હતા. આજોઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુ સોલંકીના બે પુત્રનો શાહી લગ્નોત્સવ ઊજવાયો હતો. બન્ને વરરાજાની જાને આજોઠાથી હેલિકોપ્ટર મારફત પાડોશી તાલાલા ગીરના ઘૂસિયા ગામમાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં ઉતરાણ કર્યું હતું. ત્યાં બન્ને વરરાજા જાન સાથે ધાવા ગીર ગામે લગ્નસ્થળે પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા પરણવા આવ્યા હોય એવો આ પ્રથમ કિસ્સો હતો.આ રજવાડી લગ્નોત્સવમાં સામેલ થયેલા આહીર સમાજના પરિવારો પારંપરિક પહેરવેશ સાથે મંગલ પરિણયમાં સહભાગી થયા હતા. જ્યારે રાસ-ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જિજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી.આ લગ્નોત્સવમાં હેલિકોપ્ટરમાં વરરાજાના પ્રયાણને લઈ લોકોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથેની જાનને જોવા હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્રામજનોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જોડાતાં નાનાં ભૂલકાંમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. સમાજના આગેવાને ગામની શાળાના વિદ્યાર્થીઓનો પણ જમણવાર યોજી ભૂલકાંને હેલિકોપ્ટર નજીકથી જોવાનો-માણવાનો આનંદ આપ્યો હતો.