મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (12:06 IST)

આ તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ, ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી વચ્ચે માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી પાંચમી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
 
ડાંગથી માંડી વેરાવળ સુધી ફેલાયેલા અનેક જિલ્લામાં વરસાદી ઝાપટાં આખો દિવસ આજે ચાલુ રહ્યા  હતા અને લોકોએ બેવડી ઋતુનો સામનો કર્યો હતો. ખુલ્લામાં ખેત પેદાશનો વેપાર જ્યાં થાય છે તેવા, સૌરાષ્ટ્ર કચ્છના અનેક માર્કેટ યાર્ડમાં કામકાજ રોકી દેવાયું છે અને સૂર્ય પ્રકાશ નીકળે નહીં ત્યાં સુધી ખેડૂતોને જણસી નહીં લાવવાની સૂચના આપી દેવાઈ છે.
 
નવસારી પંથકમાં ચીકુની સિઝન હોવા છતાં તેનો જથ્થાબંધ વેપાર બંધ કરવાની ફરજ પડી છે. કમોસમી વરસાદને લીધે ગુજરાતભરમાં હળવા ભારે ઝાપટાં વચ્ચે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
 
કચ્છનું નલિયા 15 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બની રહ્યું છે,  તો 15.2 ડિગ્રી સુધીની ઠંડકનો અનુભવ કરનાર સ્થળમાં વડોદરા 15.8 ડિગ્રી, દમણ 16.0 ડિગ્રી, સુરત 16.6 ડિગ્રી,  ભાવનગર 17.4 ડિગ્રી, ભુજ 17.8 ડિગ્રી, પોરબંદર 17.8 ડિગ્રીનો સમાવેશ થાય છે.
 
અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન 16.9  ડિગ્રી આસપાસ રહેતા ઘર બહાર નીકળતા લોકોએ ગરમ વસ્ત્ર પહેરવા પડ્યા હતા. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી બે દિવસમાં ઠંડી હજુ વધશે પણ વરસાદી સિસ્ટમ પૂરી થઈ જશે.
 
ગીર સોમનાથ જિલ્લામાં ખરાબ હવામાનને લીધે નવા બંદર નજીક 14 ખલાસી સાથેની પાંચ માછીમારી બોટ દરિયામાં ગરકાવ થઈ જતાં ચાર  માછીમાર આસપાસની હોડીઓની મદદને લીધે બચી ગયા હતા જ્યારે આઠ ખારવા તણાઈ કે ડૂબી ગયા હોવાની ભીતિ છે.
 
કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ગાયબ ખારવાની ભાળ મેળવવા માટે કામે લગાડવામાં આવ્યું છે. જાફરાબાદની એક બોટ પણ ડૂબી જવાની ઘટના બહાર આવી છે પણ તેના ખારવા બચાવી લેવાયા છે, તેવું માછીમાર સંઘના કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું છે.