ઑપરેશન સિંદૂર' અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર ખાતે નવ સ્થળોએ આવેલાં 'આતંકી કૅમ્પ' નષ્ટ કરવાની માહિતી આપી હતી.
પાકિસ્તાને આ હુમલા અને એલઓસી પર થયેલા ગોળીબારમાં 31 લોકોનાં મૃત્યુ થયાં હોવાનો દાવો કર્યો હતો.
ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે.
આ દરમિયાન ભારતના પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો (પીઆઇબી)એ સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 7 મેના ભારતના હુમલા બાદ પાકિસ્તાને 7-8 મેની રાત્રે ઉત્તર અને પશ્ચિમ ભારતના અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોડી, ઉત્તરલાઈ અને ભુજ સહિતનાં સ્થળોએ ડ્રોન અને મિસાઇલ વડે સૈન્ય ટાર્ગેટ સાથે અથડામણનો પ્રયાસ કર્યો હતો.
જોકે, તેને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રિડ અને ઍર ડિફેન્સ સિસ્ટમ્સ વડે નાકામ કરવામાં આવ્યા હતા.
ઘણાં સ્થળોએથી હાલ આ હુમલા બાદ પડેલ કાટમાળ એકઠો કરાઈ રહ્યો છે, જે પાકિસ્તાનના હુમલાની સાક્ષી પૂરે છે.
પીઆઇબીએ જાહેર કરેલી માહિતી અનુસાર ગુરુવારે સવારે ભારતીય સૈન્ય દળોએ પાકિસ્તાનમાં કેટલાંક સ્થળોએ ઍર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્તાનની માફક એ જ ક્ષેત્રોમાં અને તેટલી જ તીવ્રતા સાથે જવાબ આપ્યો હતો.
ભારતે સાત મેના દિવસે 'ઑપરેશન સિંદૂર' પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન સૈન્ય ઠેકાણાંને નિશાન નથી બનાવવામાં આવ્યાં. ભારતે એમ ભાર દઈને એમ પણ કહ્યું હતું કે ભારતીય સૈન્ય ઠેકાણાં પર કોઈ પણ હુમલો થશે તો ઉચિત જવાબ આપવામાં આવશે.
ભારતના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામૂલા, ઉરી, પુંછ, મેંઢર અને રજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે તોપોનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર 'કોઈ ઉશ્કેરણી વગર' ગોળીબાર કર્યો છે.
મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ લોકોનું મૃત્યુ થયું છે.
ત્યારે પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે ભારતના 25 ડ્રોન તોડી પાડ્યાં છે. પાકિસ્તાન અનુસાર આ ડ્રોન પાકિસ્તાનનાં અલગઅલગ શહેરોમાં તોડી પડાયાં છે.
પાકિસ્તાન સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ આજે ગુરુવારના દિવસે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે ભારત સાતમેની રાત્રે જ "ડ્રોનની મદદથી ઘૂસણખોરીના પ્રયાસ" કરી રહ્યું છે.