1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:04 IST)

Photos - ભાજપ સરકારમાં શીત યુદ્ધ: કાઇટ ફેસ્ટિવલમાં નિતીન પટેલની સૂચક ગેરહાજરી

ચૂંટણી બાદ ખાતાની વહેંચણીથી નારાજ થઇ ભાજપ હાઇકમાન્ડ સામે માથુ ઉંચકીને વટ સાથે નાણુ ખાતુ મેળવનારાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે હવે સરકાર ખુદ જાણે નારાજ થઇ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં આમંત્રણ હોવા છતાંય નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ડોકાયાં ન હતાં. નાયબ મુખ્યમંત્રીની સૂચક ગેરહાજરીથી ફરી રાજકીય માહોલ ગરમાયો છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને ભાજપ સરકાર વચ્ચે હવે કોલ્ડવૉર જામ્યો છે.

ગાંધીનગરમાં પાટીદાર ગ્લોબલ સમિટમાં ખાસ ઉપસ્થિત રહેનારાં નિતિન પટેલ હવે સરકારી કાર્યક્રમમાં જવાનુ ટાળી રહ્યાં છે. અત્યારે મોટાભાગના કાર્યક્રમમાં માત્ર મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે ઉદઘાટન થઇ રહ્યાં છે. મહત્વની વાત તો એછેકે, કાઇટ ફેસ્ટિવલની જાહેરાતમાંથી ય નાયબ મુખ્યમંત્રીના ફોટાને પણ હટાવી દેવાયો છે. હવે જાહેરાતોમાં ય વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટો જ દેખાઇ રહ્યાં છે.

નવી સરકાર રચાયા બાદ જેટલાં કાર્યક્રમોમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થયાં તે પૈકીના એકેય કાર્યક્રમમાં નિતીન પટેલ દેખાયાં નથી. ફુડ રિસર્ચ લેબોરેટરીના ઉદઘાટનમાંથી ય નાયબ મુખ્યમંત્રીના બાદબાકી કરવામાં આવી હતી.અત્યાર સુધી કાઇટ ફેસ્ટિવલમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે જ દેખાતા હતાં પણ આ વખતે કઇંક અલગ જ ચિત્ર જોવા મળ્યુ હતું. સૂત્રો કહે છેકે, પાટીદાર પાવર સામે નમીને નાણાં ખાતુ અપાયા બાદ નિતીન પટેલ અને ભાજપ સરકારના મંત્રીઓ વચ્ચે ઝાઝું સંકલન ય નથી.બોલચાલ ઓછી છે.આમ,નારાજગીના સૂર યથાવત રહ્યાં છે અને સરકારમાં શીતયુધ્ધ જામ્યુ છે. કાઇટ ફેસ્ટિવલમાં નિતીન પટેલની ગેરહાજરીએ આ વાતને સમર્થન આપ્યુ હતું.