બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 10 જૂન 2021 (14:09 IST)

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે

અમદાવાદ . ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આગામી 13 જુલાઈના રોજ યોજાય જેને લઈ પોલીસ તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો કોનફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજય સરકારની મંજૂરી લેવાની છે. રથયાત્રા કાઢવા મામલે સોમવારે મંજુરી માટે પોલીસ કમિશનરને મળી અરજી આપવામાં આવશે. પોલીસ અને સરકારની જે રીતે રથયાત્રા કાઢવાની પરવાનગી આપવામાં આવશે તે રીતે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રાને લઈ વર્ષોથી જે પરંપરા મુજબ ધાર્મિક વિધિઓ યોજાય છે તે કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે તમામ વિધિ પૂર્ણ કરાશે.
 
આજે સવારે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે વેકસીનેશન કેમ્પના ઉદ્ઘાટન બાદ સેકટર 1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ સેક્ટર 1 જેસીપી રાજેન્દ્ર અસારી, ડીસીપી ઝોન 3 મકરંદ ચૌહાણ , એસીપી અને પીઆઇ સાજીદ બલોચે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ચર્ચા વિચારણા કરી હતી. પોલીસ કમિશનરની વીડિયો કોનફરન્સ બાદ આજે જેસીપીએ મુલાકાત લેતાં હવે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે ખલાસી ભાઈઓએ પણ મીટીંગ કરી હતી.