બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (16:01 IST)

જામનગરના જોડિયા પંથકમાં ભારે વરસાદ, સાડાસાત ઇંચ ખાબકતાં ઘરોમાં પાણી ઘૂસ્યા

હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરના જોડિયા પંથકમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. કલાકમાં સાડાસાત ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે, જ્યારે પંથકમાં હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.જામનગર જિલ્લામાં સપ્તાહ પૂર્વે થયેલી અતિવૃષ્ટિ બાદ ફરી ભારે વરસાદનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જોડિયા પંથકમાં સાડાસાત ઇંચ વરસાદ વરસી જતાં ચોતરફ પાણી પાણી થઇ ગયું છે. જોડિયા સહિત જિલ્લાભરમાં હાલ ભારે વરસાદનો માહોલ અવિરત છે.જામનગર જિલ્લા પર ફરી મેઘરાજાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગત રાતથી જિલ્લાભરમાં વરસાદી વાદળોનું સામ્રાજ્ય છવાયું હતું, જેને લઈને ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઇ હતી. રાતનો વરસાદી માહોલ, વહેલી સવારે જોડિયા પંથકમાં ભારે વરસાદ રૂપે વરસી પડ્યો હતો, જેમાં સવારે 6થી 8 વાગ્યાના 2 કલાકના ગાળામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ વધુ અઢી ઇંદ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.જોડિયા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોડિયા પંથકમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર છે. જોડિયાથી શરૂ થયેલો મેઘાવી માહોલ જિલ્લાભરમાં છવાઈ ગયો છે, જેને લઈને આજે દિવસ દરમિયાન જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.હવામાન વિભાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે પવન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતાં વેગણીયા ખાડીનો લો લાઈન પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેથી બીજી તરફ રહેતા 250થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. આ બ્રિજ આ સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે.