શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 ઑક્ટોબર 2018 (12:52 IST)

જાણો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે રાજપૂતોનો આક્રોશ કેમ છે

ભાજપની હાલત એક સાંઘે ત્યાં તેર તુટે તેવી થઇ ગઇ છે. પાટીદાર અનામાત બાદ હવે ગુજરાત કારડિયા રાજપુત સમાજે પણ જીતુ વાઘાણી સામે મોરચો માંડવાનું એલાન કરી દીધું છે. જે માટે ભાવનગરમાં કારડિયા રાજપુતનું રાજ્યવ્યાપી સંમેલન પણ બોલાવવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી પૂર્વે ભાવનગર જિલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી સામે અંગત જમીન વિવાદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખોટા કેસ કરાવ્યા હોવાનો રાજપૂત સમાજે આક્ષેપ કર્યો હતો. જીતુ વાઘાણીના વિધાનસભા ચૂંટણીનું ફોર્મ ભરવાના દિવસે અમિત શાહની હાજરીમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પાછા ખેંચી લેવાની ખાતરી આપીને રાજપૂત સમાજ સાથે સમાધાન કરાયુ હતુ, પરંતુ આજ સુધી એક પણ કેસ પાછો ખેંચાયો નથી. જેના ભાગ રૂપે રવિવારે બુધેલ ગામમાં સમસ્ત રાજપૂત સમાજના રાજ્યભરના 350 આગેવાનો એકઠા થયા હતા. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જો એક માસમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પરત ખેંચવામાં નહીં આવે તો ભાજપને લોકસભાની ઓછામાં ઓછી 10 બેઠક પર હરાવવાનો નિર્ધાર કર્યો.આ અંગે બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરીએ નિવેદન આપ્યું હતું કે, મારી સામેના તમામ ખોટા કેસ પરત ખેંચી લેવાનો કરાયેલો વાયદો રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી ભૂલી ગયા છે. ચૂંટણી સમયે પોતાની હારી જશે તેવા ડરથી અને ભાજપને રાજપૂત સમાજનો રોષ ન નડે તે માટે ખોટા વાયદા કરવામાં આવ્યાં હતાં.આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. દાનસંગની તરફેણમાં રસ્તા ઉપર ઉતરી આવેલા કારડિયા રાજપુત અને પાટીદારો સામે પણ પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં કારડિયા રાજપુતોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કારડિયા રાજપુતોએ જીતુ વાઘાણી સાથે લડી લેવાનું નક્કી કર્યુ છે. જેની પહેલી શરૂઆત ભુજથી થઈ હતી. ભુજના રાજપુત સમાજે ભુજમાં રેલી કાઢી કલેક્ટરરને આવેદનપત્ર આપ્યું હતું.