રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 1 નવેમ્બર 2020 (13:19 IST)

જો સરદાર સાહેબ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ દેશના નકશામાં ન હોત: વિજય રૂપાણી

મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ દેશમાં પ્રાંત, જાતિ, ધર્મ, ભાષા અને જ્ઞાતિનો કોઈ ભેદભાવ ન રહે અને એક રાષ્ટ્ર - શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવો સંકલ્પ સૌ કરીએ તેમ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ સરદાર પ્રતિમા સમક્ષ મુખ્ય મંત્રી એ પુષ્પાજંલિ અર્પણ કરીને  ભાવ વંદના કરી હતી. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 
 
આ પ્રસંગે  મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દેશ માટે  સરદાર સાહેબ ના  યોગદાન નું સ્મરણ કરતાં  દેશવાસીઓમાં ઐક્યનો ભાવ વધુને વધુ પ્રસરે અને સૌ શ્રેષ્ઠ ભારતના નિર્માણ કરવાની દિશામાં આગળ વધે તેવું આહવાન કર્યું હતું.  વિજય રૂપાણી એ ઉમેર્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકેની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. તે પરંપરા આજે પણ ચાલું છે. 
 
 કેવિડયા ખાતે દેશના વડાપ્રધાન રાષ્ટ્રીય  એકતા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. તેની સાથે સાથે ગુજરાતના વિવિધ સ્થળો એ પણ ગુજરાતના સપૂત અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ પુષ્પાજંલિ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આજના અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા  જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને  હૈદરાબાદ ભારતના નકશામાં ન હોત અને આજે દેશનો નકશો કંઇક જુદો જ હોત.
 
વિજય રૂપાણીએ કહ્યું કે તે સમયે કાશ્મીરની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપવામાં આવી ન હતી અને કાશ્મીર ની સમસ્યા જે અત્યાર સુધી રહી તેને  ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ દૂર કરી અને  હવે કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે. આતંકવાદ નો પણ ત્યાં સફાયો થયો છે. 
 
આ પુષ્પાજંલિ સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ, ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ વાડીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ વગેરે એ પણ સરદાર સાહેબને અંજલિ આપી હતી.