ગુરુવાર, 25 જુલાઈ 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2024 (17:36 IST)

જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાના આક્રમક તેવરનો વીડિયો વાયરલ

junagadh
junagadh

લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ગીર-સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠક પરના પ્રાચી મુકામે સાંસદ રાજેશ ચુડાસમાના આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ આભાર દર્શન કાર્યક્રમમાં ભાજપના કાર્યકર આગેવાનોને સંબોધન કરતા જાહેરમંચ ઉપરથી  રાજેશ ચુડાસમાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, છેલ્લી બે ટર્મના 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં તે ભગવાન માધવરાયની સાક્ષીએ કહું છું. ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આગામી પાંચ વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે એને મૂકવાનો નથી. જાહેરમંચ પરથી સાંસદનું વિવાદિત નિવેદન આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. લોકસભાની ચૂંટણીમાં ચર્ચામાં રહેલી જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપે ઘણાં મનોમંથન પછી સિટિંગ સાંસદ રાજેશ ચૂડાસમાને ફરી ટિકિટ આપી હતી.

વેરાવળના ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ નોંધાયા બાદ તેમની ટિકિટ પર જોખમ હતું, પરંતુ ભાજપે ફરીથી તેમને જ ટિકિટ આપી હતી અને તેમની જીત પણ થઈ હતી. ત્યારે તાલાલામાં ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ વિવાદિત નિવેદન કરતા ફરી ચર્ચામાં આવ્યા છે.લોકસભા-2024ના ચૂંટણી જંગમાં જૂનાગઢ બેઠક પર 10.57 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં મતગણતરીમાં સવારના સમયે થોડીવાર રસાકસી જોવા મળી હતી. જોકે, તે બાદ ભાજપના ઉમેદવાર સતત લીડ મેળવી રહ્યા હતા અને અંતે ભાજપના રાજેશ ચુડાસમાની 1,34,360 મતથી શાનદાર જીત મેળવી હતી.