1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2023 (14:55 IST)

રાજસ્થાન દર્શન કરવા જતાં કલોલના દંપતીને વિજાપુરના રણછોડપુરા પાસે અકસ્માત નડ્યો, ત્રણનાં મોત

વણિક પરિવારની કાર વિજાપુરના રણછોડપુરા પાસે અકસ્માતગ્રસ્ત બંધ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી
ડ્રાઈવર અને મહિલાને વિજાપુર સિવિલ અને આધેડને હિંમતનગર ખસેડાયાં : વિજાપુર પોલીસે મૃતક ડ્રાઈવર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો
 
મહેસાણાઃ ગાંધીનગર તાલુકાના કલોલ ખાતે રહેતાં વણિક પરિવારની કાર ગઈકાલે વિજાપુરના રણછોડપુરા પાસે અકસ્માતગ્રસ્ત બંધ ટ્રકની પાછળ ઘૂસી જતાં ડ્રાઈવર સહિત દંપતીને વિજાપુર અનેહિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે વિજાપુર પોલીસે મૃતક ડ્રાઈવર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
 
બે ટ્રકની પાછળ ગાડી ઘૂસી ગઈ હતી
ગાંધીનગર તાલુકાના કલોલ ખાતેની પંચવટી શ્રી હરિ સોસાયટીમાં રહેતાં દેવેન્દ્રભાઈ ફતેલાલ શાહ (ઉવ.૫૪) તેમના પત્ની મંજુલાબેન (ઉવ.૫૪) તેમની કાર લઈને ડ્રાઈવર કાંગસિયા દેવરાજ કાળુભાઈ (ઉવ.૨૪)ને સાથે લઈને રાજસ્થાન દેવદર્શન કરવા જતાં હતા. દરમિયાનમાં હિંમતનગર હાઈવે ઉપર આવેલા વિજાપુર તાલુકાના રણછોડપુરા ચોકડી નજીક પહોંચતાં સામસામે અકસ્માત થયેલી બે ટ્રકની પાછળ ગાડી ઘૂસી જતાં ડ્રાઈવર સહિત દંપતીને ઈજા થતાં મંજુલાબેન દેવેન્દ્રભાઈ શાહ તથા ડ્રાઈવર દેવરાજ કાંગસિયાને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. 
 
વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
જ્યારે કારમાલિક દેવેન્દ્રભાઈ ફતેલાલ શાહને ગંભીર હાલતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ત્રણેયના મોત નીપજ્યાં હતા. આ અંગે મૃતક દેવેન્દ્રભાઈના ભાઈ કમલેશભાઈ ફતેલાલ શાહ એ મૃતક કારચાલક કાંગસિયા દેવરાજ કાળુભાઈ વિરૂધ્ધ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.