અંબાજીમાં આજથી અષાઢી એકમ સુધી માતાજીનો 3 વખત શણગાર થશે, જાણી લો દર્શનનો સમય
આજે અખાત્રીજથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં અરીસા વડે માતાજીને સૂર્યનારાયણના દર્શન કરાવવામાં આવશે અને ત્યાર બાદ બપોરની આરતી શરૂ થશે. આ ઉપરાંત અખાત્રીજથી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દિવસમાં 3 વખત માતાજીનો શણગાર કરવામાં આવશે. 6 જુલાઈ 2024 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં.
માતાજીનો દિવસમાં 3 વખત શણગાર થશે
અખાત્રીજથી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર થાય છે. મા અંબાને અરીસા વડે સૂર્યનારાયણના દર્શન કરાવ્યા બાદ બપોરની આરતી શરૂ થાય છે. બપોરની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં આ બે મહિનાના સમયગાળામાં માતાજીને કપડાનો પંખો પણ લગાડવામાં આવે છે. જેનાથી માતાજીને ગરમી ન લાગે. આ 2 મહિના એટલે કે આજથી 6 જુલાઈ સુધી અંબાજી મંદિરમાં છપ્પનભોગ કે અન્નકૂટ થતા નથી. ગ્રીષ્મ ઋતુમાં માતાજીના મંદિરમાં દિવસમાં 3 વખત શણગાર કરવામાં આવે છે.
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરાય છે
ચાચર ચોકમાં નૃત્ય મંડપ નીચે અરીસા વડે સૂર્યનારાયણનો પ્રકાશ માતાજીના વીસા યંત્ર ઉપર પાડીને બપોરની આરતી શરૂ થાય છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરાય છે. બપોરે 12 વાગે સોનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ અરીસા વડે સૂર્યનારાયણના દર્શન કરાવવામાં આવે છે.અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિરમાં યાત્રાળુઓની સગવડતા માટે વૈશાખ સુદ ત્રીજથી આષાઢ સુદ એકમ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.
દર્શન અને આરતીનો સમય નીચે મુજબ રહેશે
આરતી સવારે- 7:00થી 7:30
દર્શન સવારે- 7:30થી 10:45
રાજભોગ આરતી- 12:30થી 01:00
દર્શન બપોરે- 01:00થી 4:30
આરતી સાંજે- 7:00થી 7:30
દર્શન સાંજે- 7:30થી 9:00