શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 10 મે 2024 (09:25 IST)

ગુજરાત CID ક્રાઈમે ભરૂચમાંથી પાકિસ્તાની એજન્ટને પકડ્યો, ગુપ્ત માહિતી મોકલતો હતો

દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ છે. બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ત્યારે દેશની માહિતી પાકિસ્તાનને આપતો એજન્ટ પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતની CID ક્રાઈમે મળેલા ઈનપુટને આધારે તપાસ કરતાં ભરૂચના અંકલેશ્વરમાંથી એક પાકિસ્તાની ISI એજન્ટને ઝડપી પાડ્યો છે. આ એજન્ટ અંકલેશ્વર GIDCમાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ફેસબુક દ્વારા દેશની માહિતી લઈને પાકિસ્તાનમાં પહોંચાડતો હતો. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આ એજન્ટને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને થોડા સમય પહેલા મિલેટરી ઇન્ટેલ ઉધમપુરથી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મળી રહી હોવાના ઈનપુટ મળ્યા હતાં. આ ઈનપુટને આધારે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ઈનપુટમાં જાણવા મળ્યું હતું કે, ભારત દેશ વિરુધ્ધ ગુનાહિત કાવતરાના ભાગ રૂપે લશ્કરી દળોના નિવૃત થયેલ અને કાર્યરત અધિકારી કર્મચારી, ભારતના મિસાઈલ મેન્યુફેક્ચરિંગ અને તેના પાર્ટ્સના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલ અધિકારી કર્મચારીઓ પાસેથી ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી મેસેજ તથા વોઇસ કોલ કરી ભારત દેશની સુરક્ષામાં અગત્યની ભૂમિકા ભજવતી અને ગુપ્ત માહિતી ધરાવતી કંપનીઓની માહિતી મેળવવામાં આવી રહેલ છે.
 
માહિતી એકત્રિત કરી હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવ્યું
આ ઇનપુટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ભારતીય મોબાઈલ નંબરનો તેના ધારક પાસેથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સ દ્વારા વોટ્સઅપ OTP મેળવી સદર મોબાઇલ નંબરના વોટ્સઅપનો ઉપયોગ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સ દ્વારા દોરી સંચાર કરી ભારત દેશના સુરક્ષા દળોની તેમજ ભારતના મીસાઇલ સીસ્ટમ મેન્યુફેક્ચરિંગ અને તેના પાર્ટસના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીની અત્યંત ગોપનીય અને સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ મહત્વની આંતરિક વ્યવસ્થા અંગેની માહિતી એકત્રિત કરી હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે. 
 
ભારતની ખાનગી માહિતી પાકિસ્તાન મોકલતો હતો
આ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીનાં ઓપરેટીવ્સના સંપર્કમાં આવેલ પ્રવિણ મિશ્રા નામનો ઇસમ અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં ભાડેથી રહે છે.પ્રવીણ મિશ્રા અંકલેશ્વરની એક કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો. સીઆઈડી ક્રાઈમે તેના મોબાઈલ ચેક કરતા પાકિસ્તાનના ISI હેન્ડલરે સોનલ ગર્ગ નામની ઓળખ મળી હતી. પ્રવીણ મિશ્રા ફેસબુક દ્વારા માહિતી આપ લે કરી રહ્યો હતો. પ્રવીણ પાસેથી ભારતની અલગ અલગ એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી હતી. આ પ્રવિણ મિશ્રા એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલિમ લઈને હૈદરાબાદમાં DRDO સાથે મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. અંકલેશ્વરમાં પણ એક કંપની DRDOને મટીરિયલ સપ્લાય કરે છે. પ્રવીણ મિશ્રા અંકલેશ્વરમાં રહીને ભારતની ખાનગી માહિતી પાકિસ્તાન મોકલતો હતો. 
 
સોશિયલ મીડિયા હેન્ડલથી લઈને તમામ પાસાઓ પર તપાસ
CID ક્રાઈમ બ્રાન્ચે તમામ પુરાવાઓના આધારે યુવકની ધરપકડ કરી લીધી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે કોની સાથે સંપર્કમાં હતો અને અન્ય કેટલા લોકો તેની સાથે જોડાયેલા હતા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ટૂંક સમયમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વિશેની જાણકારી પણ આપી શકે છે. હાલ આ મામલે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે. યુવકના સોશિયલ મીડિયા હેન્ડલથી લઈને તમામ પાસાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે.